- રૂલ લેવલ જાળવવા માટે દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું, ડેમના ગેટ નંબર 4 અને 5ને 0.30 મીટર સુધી ખોલાયા, નદીના કિનારાના ગામોને એલર્ટ કરાયા
પંચમહાલ જિલ્લામાં સતત વરસાદને પગલે દેવ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નોંધાતા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમના ગેટ નંબર 4 અને 5ને 0.30 મીટર સુધી ખોલી કુલ 1,819 ક્યુસેક પાણી છોડાતા વાઘોડિયા વિસ્તારમાંથી પસાર થતી દેવ નદીના કિનારાના લોકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના દેવ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે તંત્રએ દેવ ડેમના ગેટ નંબર 4 અને 5ને 0.30 મીટર સુધી ખોલવાનો નિર્ણય લીધો હતો. ડેમમાંથી કુલ 1,819 ક્યુસેક પાણી દેવ નદીમાં છોડવામાં આવ્યું છે. જેના કારણે વાઘોડિયા તાલુકામાંથી પસાર થતી દેવ નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે.
વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દેવ નદીના કિનારાના ગામોના રહેવાસીઓ તેમજ નદી પટમાં અવરજવર કરતા લોકોને સાવચેત રહેવા, નદીમાં પ્રવેશ ન કરવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.


