- ભેજાબાજોએ 6.80 કરોડના મની લોન્ડરિંગ કેસના નામે ઠગાઈ કરી
વડોદરામાં ડિજિટલ એરેસ્ટના ઉપરાછાપરી કેસો બની રહ્યા છે. આજવા રોડના એક સિનિયર સિટીઝને આવી જ રીતે 23 લાખ ગુમાવી દીધા વધુ એક કિસ્સો તેમાં ઉમેરાયો છે. IPS રાકેશકુમારના નામે વડોદરાના વૃદ્ધને ડિજિટલે અરેસ્ટ કરી ભેજાબાજોએ 23 લાખ પડાવ્યાં હતા. આ ઉપરાંત વૃદ્ધને 25 લાખની એફડી તોડાવવા પણ મોકલ્યા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરાના આજવા રોડ પર આવેલ ધ પેલેસ સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન ગાળતા 61 વર્ષીય વૃધ્ધે વડોદરા શહેરના સાયબર ક્રાઈમ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત 21 ડિસેમ્બરના સવારે મને અજાણ્યા નંબર પરથી કોલ કરનાર વ્યકિતએ અભય મિશ્રા તરીકે ઓળખ આપી તેનો બેચ નંબર જણાવ્યો હતો અને કહ્યું હતું કે, તમારું આધાર કાર્ડ મની લોન્ડરિંગમાં વપરાયું છે, જેથી તમારે પોલીસ ફરિયાદ કરવી પડશે અને તેની માટે IPS રાકેશકુમાર તમને કોલ કરશે.
ત્યાર બાદ મને રાકેશકુમારના નામે વીડિયો કોલ કરનારે તે દિલ્હી સાયબર ક્રાઈમ પોલીસના આઈપીએસ ઓફિસર છે તેવી ઓળખ આપી જણાવ્યું હતું કે, અશોક ગુપ્તા નામની વ્યકિતની 6.80 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થઈ છે અને તેની તપાસમાં તમને એક લાખ રોકડા અને 10 ટકા કમિશન તમારી બેંકમાં જમા થયું છે. આ માટે તમને એરેસ્ટ કરવા પડશે અને તમારી તમામ મિલકત અને બેંક એકાઉન્ટની તપાસ કરવી પડશે. તમારી પાસે બે ઓપ્શન છે, એક ફિઝિકલ ઈન્વેસ્ટીગેશન અથવા પ્રાયોરીટી ઈન્વેસ્ટીગેશન જે રિમોટ મોડ પર થઈ શકશે.
ત્યાર બાદ તેઓએ હું રેપ્યુટેડ વ્યકિત છું માટે પ્રાયોરીટી ઈન્વેસ્ટિગેશનમાં જવાની સલાહ આપી હતી અને CBI ચીફને ધરપકડ અને બેંક એકાઉન્ટ હોલ્ડ માટે અપીલ કરવી પડશે અને તેમાં તમારા પરિવારની અને તમારી બધી માહિતી લખીને તૈયાર કરો અને બે દિવસ દરમિયાન I am safe લખી દર કલાકે રિપોર્ટ કરજો અને સવારે 9.30 વાગે આઈશોલેશનમાં એકલા જવું પડશે જ્યાં તમારી પૂછપરછ કરાશે. તેઓએ 26 તારીખે વીડિયો કોલ કરીને સીબીઆઈ લેટરપેડવાળો લેટર મોકલ્યો હતો અને 23 લાખનો ચેક તૈયાર રાખો અથવા બેંકમાં જઈ આરટીજીએસ કરવા માટે કહ્યું હતુ અને આ નાણાં નેશનલ ટ્રેઝરી ટ્રસ્ટમાં જમા રહેશે અને વેરીફાય કર્યાના બેથી ત્રણ દિવસમાં તમારા બેંક ખાતામાં પાછા આવી જશે તેમ જણાવ્યું હતું.
તેઓની સુચના મુજબ મે બેંકમાં જઈ 23 લાખ આરટીજીએસથી ગઠિયાઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેઓએ મને ખાનગી બેંકમાં મુકેલી 25 લાખની ત્રણ એફડી તોડી તે નાણાં ટ્રાન્સફર કરવા માટે અન્ય એક બેંક ખાતા નંબર મોકલ્યો હતો. આ સુચના મુજબ હું બેંકમાં ગયો હતો પરંતુ બેંક બંધ હોઈ હું મેં પરત ફર્યો હતો અને મને શંકા જતાં અમારા છોકરાઓને તમામ હકીકત જણાવી હતી જે બાદ મે સાયબર ક્રાઈમ ટોલ ફી નંબર પર અરજી કરી હતી. આ ફરિયાદના પગલે સાયબર ક્રાઈમ પોલીસે પરેશભાઈ સાથે ઠગાઈ કરનાર ઠગ ટોળકી સામે ગુનો નોંધી તેઓના મોબાઈલ નંબરો અને જે બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા છે તેના આધારે તપાસ શરૂ કરી છે.