- હનુમાનજીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને હીરણાંક્ષને માર્યો હતો, જેમાં જમણા પગે દબાવ્યો હતો તે દૃશ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું
- પૌરાણિક ઈતિહાસની ગાથા પર થીમ બેઝ ડેકોરેશન કરાયું
આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીની વડોદરા શહેરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરાના હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુએ દર્શન માટે લાબી કતારો લગાવી હતી. શહેરના હરણી ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. આ મંદિરમાં પૌરાણિક ઈતિહાસની ગાથા પર થીમ બેઝ ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
શનિવાર હનુમાનજીનો પ્રિય વાર છે, તેથી શનિવારના રોજ હનુમાનજીની ભક્તિ ભાવનાનું અનેરું મહત્વ રહેલું છે. ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતી ઘણા વર્ષો બાદ આજે આવી છે. તેથી ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હનુમાન જયંતીના પાવન પ્રસંગે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઘણી જગ્યાએ હનુમાન ભક્તો દ્વારા વિશેષરૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે હરણી ભીડભંજન હનુમાનજી મંદિરના મહંત રોહિતગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ઘણો પવિત્ર દિવસ છે અને ચૈત્રી પૂર્ણિમા છે. આજના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. વિશેષ તો અમે આજે હનુમાનજીનો વાસ્તવિક સ્વરૂપ અને ઇતિહાસ છે, તેને દર્શાવતો શૃંગાર કરાયો છે. હનુમાનજીએ જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને હીરણાંક્ષને માર્યો હતો, જેમાં જમણા પગે દબાવ્યો હતો તે દૃશ્યને આજે દર્શનાર્થીઓ આજે દર્શન કરી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે, મંદિરમાં આજે સવારના પ્રાગટ્ય આરતી બાદ અત્યારે લઘુરુદ્ર ચાલી રહે છે. બપોરે મધ્યાન આરતી થશે અને રાત્રે આઠ વાગ્યાથી લઈ સુંદરકાંડના પાઠ કરી વિશેષ આબેહૂબ જીવંત પાત્રો ભજવવામાં આવશે. આ મંદિરમાં ઈતિહાસની વાત કરવામાં આવે તો હનુમાનજીને ત્રેતા યુગમાં અહીંનો હીરણાંક્ષ નામનો રાજા હતો. તે દરમ્યાન ભગવાન જ્યારે લંકા પર વિજય મેળવી અયોધ્યા ગયા હતા, ત્યારે ઋષિ મુનિઓને વચન આપ્યું હતું કે જ્યારે હું રામ રાજ્યની સ્થાપના કરીશ, તે દરમિયાન એકપણ દૈત્ય નહીં બચે. પરંતુ આ સત્યને બ્રહ્માનું વરદાન હોવાથી તે મરે તેમ ન હતો. જેથી ભગવાન રામે હનુમાનજીને આજ્ઞા કરી કે આ મરે તેમ નથી, જેથી તમારા પરાક્રમથી તમારા પગ નીચે દબાવો ત્યારે તે દૃશ્યને અહીં દર્શાવવામાં આવ્યું છે.
ઇતિહાસ શું છે?
આ સ્થળ પર એક હીરણાંક્ષી નામનો દૈત્ય રહેતો હતો. આ દૈત્ય ખુબ જ બળવાન અને અજર અમર હતો. તેના દ્વારા આ સ્થળ પર રહેલા સાધુ સંતોને ખૂબ હેરાન પરેશાન કરતો હતો. આ સાધુ સંતો દ્વારા પ્રભુ શ્રીરામને વિનંતી કરી હતી કે તમારા વચન પ્રમાણે કોઈ પણ દૈત્યનો નાશ થશે અને શાંતિ સ્થાપિત થશે. જેને લઈ અમારા વિસ્તારમાં પણ દૈત્ય હેરાન પરેશાન કરી રહ્યો છે ત્યારે ભગવાન શ્રીરામ દ્વારા હનુમાનજીને આજ્ઞા કરી કહ્યું કે આ સ્થળ પર એક દૈત્ય રહે છે તેનો નાશ કરો.
હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ થયું હતું અને પુરાણોમાં ઉલ્લેખ છે કે, ઘણા સમય સુધી હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. સ્વયં પ્રભુ શ્રીરામ આ દૈત્યના વધ માટે ત્યાં પહોંચે છે. ત્યારે બ્રહ્માએ આકાશવાણી કરી કે આ દૈત્ય અજર અમર છે. તેને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત છે. જેથી તે મૃત્યુ પામી શકે તેમ નથી. ત્યારે ભગવાન શ્રીરામે હનુમાનજીને વિરાટ રૂપ ધારણ કરી તેનો નાશ કરવાનું કહ્યું હતું. ત્યારે હનુમાનજી આ દૈત્યને હાથમાં પકડી અને હવામાં ફેકે અને તેને જમીન પર પછાડે છે. ત્યારે તેને પગમાં દબાવી રાખે છે અને ત્યારબાદ ભગવાન શ્રીરામ દ્વારા તેમને કહેવામાં આવ્યું કે, આ દૈત્ય અજર અમર છે, તેનુ મૃત્યુ શક્ય નથી. ત્યારે આક્રોશથી હનુમાનજી દૈત્યને પોતાના પગમાં દબાવે છે અને ગદાનો પ્રહાર કરે છે.
તે સમય જોઈ ભગવાન શ્રીરામ કહે છે કે તથાસ્તુઃ ત્યારે હનુમાનજી ત્યાં સ્થિર થયા હતા. ભગવાન શ્રીરામે કહ્યુ કે, દૈત્યનું મૃત્યુ શક્ય નથી, ત્યારે તમારી શક્તિથી તમારા પગમાં દબાવી રાખો અને કાલ અંતરે આ નગરી મનુષ્ય નગરી થશે તો તમારું વિરાટ રૂપ, ભયંકર રૂપ અને વાનર રૂપ જોઈ લોકો ગભરાઈ જશે, જેથી આ કાળથી મનુષ્ય રૂપ બિરાજમાન થઈ અને સાધુ સંતો અને ઋષિમુનિઓનું કસ્ટ દૂર કરો. એટલે ગુજરાતીમાં કસ્ટનો બીજો અર્થ થાય છે ભીડ દૂર થઈ એટલે અહીં ભીડભંજન તરીકે પ્રસિદ્ધ થયા હતા.
અહીં અરણીનું જંગલ હતું. સમયકાલ થતા આ સ્થળ અરણીનું હરણી થયું અને આજે પ્રસિદ્ધ થયું છે. કહેવાય છે કે આ જગ્યા પર ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ પોતે અહીં આવ્યા હતા. જે સ્કંદ પુરાણના આધારે ફલિત થાય છે. ખાસ કરીને આ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામના ચરણ આ ધરતી પર પડ્યા હોવાથી આ ધરતી પાવન બની છે. શ્રાવણ માસમાં ભવ્ય મેળો ભરાય છે. સાથે હનુમાન જયંતી પર લાખો ભાવિ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આઆ પવિત્ર ભીડભંજન હનુમાનજી મંદિર લાખો ભાવિ ભક્તોનું અસ્થાનું કેન્દ્ર બન્યું છે.