પાણીગેટ વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરના 8 ભાડુઆતોએ ભાડુ ન ભરતાં 8 દુકાનો સીલ

લાંબા સમયથી ભાડું ન ભરાતા તંત્રએ અનેક વખત ભાડું ભરી જવા બાબતે નોટિસ આપી હતી

MailVadodara.com - 8-shops-sealed-after-8-tenants-of-a-shopping-center-in-Panigate-area-failed-to-pay-rent

- પાલિકાની આ કાર્યવાહીથી કેટલાક ભાડુઆતોએ ભાડુ ભરી સીલ ખોલાવવા દોડધામ કરી મૂકી

વડોદરા કોર્પોરેશન દ્વારા પાલિકાએ ભાડાપટ્ટે આપેલી દુકાનો અને શાકભાજી ઓટલાના ભાડુ ન ભરનારાઓ વિરુદ્ધ ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરી છે. આજે પાણીગેટ વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરના 8 ભાડુઆતોએ ભાડુ ન ભરતાં 8 દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. પાલિકાની આ કાર્યવાહીથી કેટલાક ભાડુઆતોએ ભાડુ ભરી સીલ ખોલાવવા દોડધામ કરી મૂકી હતી.

મળેલી માહિતી પ્રમાણે શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ કોર્પોરેશનના શોપિંગ સેન્ટરની દુકાનોના ભાડૂઆતો દ્વારા લાંબા સમયથી ભાડું ન ભરાતા તંત્ર અનેક વખત ભાડુ ભરી જવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં દુકાનદારો દ્વારા ભાડું ભરવા માટે ઉંઘ ન ઉડાડતા તંત્રને આજે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે, પાલિકાની માલિકીના ઘણા શોપિંગ સેન્ટર ખાતે દુકાનો તથા અન્ય મિલકતો ભાડે આપવામાં આવી છે પરંતુ , ભાડૂઆત સમયસર ભાડું આપતા નથી. આ મામલે પાલિકા તંત્ર દ્વારા વારંવાર તેઓને નોટિસ તેમજ રિમાઇન્ડર નોટિસ આપવામાં આવે છે. તાજેતરમાં ભાડુ ન ભરનાર શાકમાર્કેટના ઓટલા ધારકોના ઓટલા પતરાથી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરમિયાન આજે પાણીગેટ વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે 8 દુકાનોને સીલ કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. અધિકારી ડો. વિજય પંચાલના જણાવ્યા પ્રમાણે બાકી ભાડા મામલે ભાડુઆતોને વારંવાર સૂચના અને નોટિસ આપી હોવા છતાં તેઓ દ્વારા બાકી ભાડું ચૂકવાતું ન હતું. જેથી, આજે 8 દુકાનો સીલ કરવામાં આવી છે. તબક્કાવાર શહેરના અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.

Share :

Leave a Comments