- મગરોની ગણતરીની કામગીરી કોર્પોરેશન દ્વારા ગીર ફાઉન્ડેશનને આપવામાં આવી
વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજે વહેલી સવારથી મગરની ગણતરી શરૂ કરવામાં આવી છે. વન્ય પર્યાવરણ વિભાગ દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા વડોદરામાં વિશ્વામિત્રીમાં રહેલા મગરોની વસ્તી ગણતરી હાથ ધરાઇ હતી. જેના ભાગરૂપે અકોટાના સરસયાજીનગર ગૃહ ખાતે વન વિભાગના અધિકારીઓ વિવિધ સંસ્થાના વોલેન્ટિયરોની બેઠક મળી હતી. હાલ વન વિભાગ, વિવિધ એનજીઓ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મળી 25થી વધુ ટીમો બનાવાઈ છે જે ટીમ નદીના 25 કિમીના પટમાં મગરની વસ્તી ગણતરી કરશે.
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વસતા મગરોની ગણતરીની કામગીરી કોર્પોરેશન દ્વારા ગીર ફાઉન્ડેશનને આપવામાં આવી છે. ગીર ફાઉન્ડેશન જે ગાંધીનગરમાં આવેલી અને વન્ય પર્યાવરણ વિભાગ દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા છે અને ગીર ફાઉન્ડેશને આ કામગીરી માટે ચીફ વોર્ડન સાથે સંપર્ક કર્યો હતો અને તેમની સાથે ચર્ચા થયા મુજબ જે સામાજિક વનીકરણ વડોદરા અને સાથે સાથે વાઇલ્ડ લાઇફ ડિવિઝનનો સંપર્ક કરીને આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમના તરફથી પુરેપુરો સહકાર મળ્યો છે. સાથે સાથે વોલેન્ટિયરની યાદી પણ સામાજિક વનીકરણ વડોદરા દ્વારા આપવામાં આવી હતી, તે મુજબ ગ્રુપ મુજબ ટીમ બનાવી એનું આયોજન કરવામાં આવ્યું છે.
25 કિલોમીટર જેટલી લંબાઈનો નદીનો પટ છે તેમાં કુલ 25થી વધુ ટીમ બનાવી મગરની ગણતરી કરવામાં આવશે. ગઇકાલે તારીખ 4ના રોજ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પ્રશ્નોત્તરીનું સેશન રાખવામાં આવ્યું હતું. આ મિટિંગમાં જે વિષયના નિષ્ણાંતો હાજર રહ્યા હતા તેમજ વડોદરા ફોરેસ્ટ ડિવિઝન વાઇલ્ડ લાઇફ ડિવિઝન અને સામાજિક વનીકરણનો સ્ટાફ પણ હાજર હતો. બંને ડિવિઝનના સહકારથી અને ગીર ફાઉન્ડેશન સાથે રહીને આ કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવશે. તારીખ 5 અને 6ના રોજ આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં આપણે ડે કાઉન્ટિંગ, નાઈટ કાઉન્ટિંગ અને બંને કાઉન્ટિંગ પરથી જે ડેટા મળશે એનું એનાલિસિસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શિયાળામાં મગર સવારે બહાર નીકળતા હોય છે અને રાતે બચ્ચા બહાર નીકળતા હોય છે.જેથી ટીમો દ્વારા ડે કાઉન્ટિંગ અને નાઇટ કાઉન્ટિંગ કરવામાં આવશે.આ દરમિયાન ફોટોગ્રાફી કરવામાં આવશે અને ડ્રોન થી પણ વીડિયોગ્રાફી કરવામાં આવશે. દરેક મગરના માથાનો ભાગ અલગ હોવાથી ફોટો અને વીડિયો પરથી ડેટા એનાલિસિસ કરવામાં આવશે.