- વાસણા રોડની ઓફિસમાં 25 લાખનો ખર્ચ બતાવ્યો હતો, જે.પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા યુવકને કેનેડામાં પ્રતિષ્ઠિત કંપનીમાં વર્ક પરમિટ અને નોકરી અપાવવાના બહાને 12.50 લાખ પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. વાસણા રોડ પર ઓફિસ ધરાવતા ત્રણ ભેજાબાજોએ વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા પડાવ્યા બાદ લાંબા સમય સુધી વિઝા પ્રક્રિયાના નામે ઠાગાઠૈયા કર્યા હતા. આખરે વિઝા ન મળતાં અરજી પરત ખેંચાવી નાણાં રિફંડ કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ રૂપિયા પાછા ન આપી છેતરપિંડી આચરતાં જે.પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
સુભાનપુરા ખાતે રહેતા આશિષ પરમાર વિદેશ જવા માટે વિઝા કન્સલ્ટન્ટની શોધમાં હતા ત્યારે નવેમ્બર 2022 માં એક પરિચિત મારફતે નીતિશ રાજપુત સાથે સંપર્ક થયો હતો. આશિષભાઈ વાસણા રોડ સ્થિત ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં નીતિશ રાજપુત ઉપરાંત સમર્પિત શુક્લા અને હાર્દિક ગોહીલ પણ હાજર હતા. ત્રણેય શખ્સોએ પોતે ઇમિગ્રેશન કન્સલ્ટિંગમાં નિષ્ણાત હોવાનો દાવો કરી કેનેડામાં સારા પગારની નોકરી સાથે વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી હતી. દસ્તાવેજો ચકાસી કુલ 25 લાખનો ખર્ચ થશે તેમ કહી પ્રોસેસ ફી પેટે ટુકડે-ટુકડે 12.50 લાખ એડવાન્સ મેળવી લીધા હતા.
એડવાન્સ નાણાં પડાવ્યા બાદ ગઠિયાઓએ વિશ્વાસ જીતવા કેનેડા વિઝા સંબંધિત ઇવેલ્યુએશન રિપોર્ટ પણ આપ્યો હતો. જોકે મહિનાઓ વીતી ગયા છતાં કામ આગળ ન વધતાં આશિષભાઈએ નાણાં પરત માંગ્યા હતા. જેથી નીતિશ રાજપુતે જૂની અરજી રદ કરાવી ફરી નવી પ્રોસેસ શરૂ કરવાનું નાટક રચ્યું હતું. બીજી વખત પણ કોઈ પરિણામ ન આવતાં છેવટે નીતિશ રાજપુતે ઓફિશિયલ ઈમેલ મારફતે અરજી વિથડ્રો કરાવી 10 દિવસની અંદર તમામ 12.50 લાખ પરત ચૂકવી દેવાની લેખિત ખાતરી આપી હતી.
અરજી સંપૂર્ણ વિથડ્રો થઈ ગયા બાદ પણ નિર્ધારિત સમયમાં નાણાં પરત આપવામાં આવ્યા નહોતા. ભોગ બનનાર યુવકે વારંવાર નીતિશ રાજપુત, સમર્પિત શુક્લા અને હાર્દિક ગોહીલનો ટેલિફોનિક તેમજ રૂબરૂ સંપર્ક કરવા છતાં તેઓ ઉડાઉ જવાબો આપી હાથ ઊંચા કરી રહ્યા હતા. છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં આશિષભાઈએ જે.પી. રોડ પોલીસ સ્ટેશન પહોંચી ત્રણેય કન્સલ્ટન્ટ્સ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર અને લાખો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


