અકોટાના 78 વર્ષીય વૃદ્ધે Wedding Invitation APK ખોલી, બે ખાતામાંથી રૂ.10.61 લાખ ઉપડ્યા

લગ્નનું આમંત્રણ માની APK ફાઇલ ખોલવી ભારે પડી, OTPના મેસેજ આવતા ભાંડો ફૂટ્યો

MailVadodara.com - 78-year-old-man-from-Akota-opens-Wedding-Invitation-APK-Rs-10-61-lakh-withdrawn-from-two-accounts

- વૃદ્ધે બંને બેંકોમાં ઓનલાઈન વ્યવહાર બંધ કરાવ્યા, સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

સાયબર ઠગોએ વોટ્સએપ પર આવેલી Wedding Invitation APK ફાઇલ ખોલતા વડોદરા શહેરના અકોટામાં રહેતા 78 વર્ષીય વૃદ્ધના ખાતાઓમાંથી 10.61 લાખ રૂપિયાની રકમ વિવિધ ટ્રાન્જેક્શન મારફતે ઉપડી ગયા હતા. જેથી તેમને મોબાઈલ અને બેંક ખાતાઓ સાથે ચેડાં થયાની આશંકા વ્યક્ત કરી છે અને તેમના બેંક અને અન્ય સેવાઓના OTP મેસેજ આવ્યા બાદ તપાસ કરતાં ભાંડો ફૂટ્યો હતો.
વડોદરાના અકોટા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન પાર્ટટાઇમ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના વોટ્સએપ નંબર પર અગાઉ અજાણ્યા નંબર પરથી લગ્નનું આમંત્રણ આપતો મેસેજ આવ્યો હતો. મેસેજ સાથે Wedding invitation.apk નામની ફાઇલ મોકલવામાં આવી હતી. લગ્નનું આમંત્રણ હોવાનું માની રમેશભાઈએ APK ફાઇલ મોબાઈલમાં ઓપન કરી હતી.
ફાઇલ ઓપન કર્યા બાદ શંકા જતા તેમણે બીજા દિવસે બેંક ખાતાઓ ચેક કર્યા હતા. તે સમયે કોઈ ફ્રોડ ટ્રાન્જેક્શન ન જણાતા તેમણે APK ફાઇલ અને મેસેજ ડિલીટ કરી દીધા હતા. જોકે, બાદમાં તા.12 સપ્ટેમ્બરની રાત્રે તેમના મોબાઈલ પર બેંક તથા વિવિધ સેવાઓના OTP અને વેરિફિકેશન કોડના મેસેજ આવવા લાગ્યા હતા.
આ દરમિયાન તેમના બે બેંક ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્જેક્શન દ્વારા 10.61 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં સિનિયર સિટીઝને બંને બેંકોમાં ઓનલાઈન ટ્રાન્જેક્શન બંધ કરાવ્યું હતું. તેમણે સાયબર ઠગો વિરુદ્ધ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Share :

Leave a Comments