- ગત 13 સપ્ટેમ્બરે 50 વર્ષીય અમરસિંહ રામસિંહ પરમાર પોતાની સ્પ્લેન્ડર પ્રો બાઈક પર છાણીથી રામાકાકા ડેરી તરફ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી
- કારના ડાબા ભાગે તાજા ઘસરકા અને ગોબા મળ્યા, પૂછપરછમાં અકસ્માતની કબૂલાત કરી
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં સત્યમ હોસ્પિટલ નજીક બાઈકચાલક આધેડને ટક્કર મારી નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકને છાણી પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. ગત 13 સપ્ટેમ્બરે 50 વર્ષીય અમરસિંહ રામસિંહ પરમાર પોતાની સ્પ્લેન્ડર પ્રો બાઈક પર છાણીથી રામાકાકા ડેરી તરફ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અમરસિંહનું 15 સપ્ટેમ્બરે સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.

અકસ્માત સ્થળ પર સીસીટીવી કેમેરા ન હોવાથી પોલીસ સામે આરોપીને ઝડપવાનો મોટો પડકાર હતો. છાણી પોલીસની ટીમે આસપાસના માર્ગો પર લાગેલા કેમેરાના ફૂટેજ, વાહનો પસાર થવાનો ચોક્કસ સમય અને ટેકનિકલ એનાલિસિસનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. આ ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન શંકાસ્પદ રીતે પૂરપાટ પસાર થયેલી TATA Tigor કાર (નંબર GJ-23-CB-1056) પોલીસની રડારમાં આવી હતી. પોલીસે પગેરૂં દબાવી કાર કબજે કરી તપાસતાં તેના ડાબી બાજુના ભાગે અકસ્માત સંબંધિત તાજા ઘસરકા અને ગોબા પડેલા મળી આવ્યા હતા.
પોલીસે કારના આધારે ચાલકની અટકાયત કરી આકરી પૂછપરછ કરતાં તેણે જ બાઈકને અડફેટે લીધી હોવાની અને ભયના કારણે ફરાર થઈ ગયો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રણોલી ખાતે રહેતા 24 વર્ષીય મજીત ઉર્ફે મિહિર ઉસ્માનખાન વિરુદ્ધ ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


