હાંસાપુરા પાસે વિશ્વામિત્રીમાં કેમિકલયુક્ત પાણી છોડાતું હોવાનો આક્ષેપ, ધારાસભ્યે પર્યાવરણ મંત્રીને પત્ર લખ્યો

બેજવાબદાર ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડાતું હોવાની સ્થાનિકોની ફરિયાદ

MailVadodara.com - Allegation-of-chemical-laden-water-being-discharged-into-the-Vishwamitri-River-near-Hansapura-MLA-writes-to-the-Environment-Minister

- GPCBને વારંવાર જાણ છતાં ઉકેલ ન આવ્યાનો ગ્રામજનોનો દાવો, અધિકારીઓ સેમ્પલ લઈ જાય છતાં પરિણામ ન મળ્યાનો આક્ષેપ, વન-પર્યાવરણ વિભાગ પાસે સૂચના આપવા માંગણી

વડોદરાના વાઘોડિયા તાલુકાના હાંસાપુરા ગામ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કેટલાક બેજવાબદાર ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે. આ અંગે વારંવાર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ નક્કર પગલાં ન ભરાતાં આખરે ગ્રામજનોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવા ધારાસભ્યએ મંત્રાલયમાં રજૂઆત કરી છે.

હાંસાપુરા ગામ નજીકથી વહેતી વિશ્વામીત્રી નદીમાં પ્રદુષિત પાણી છોડાતું હોવાની સમસ્યા નવી નથી. છેલ્લા કેટલાય સમયથી સમયાંતરે પ્રદુષિત કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. આ અંગે GPCBને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં તેનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે GPCBના અધિકારીઓ આવે ત્યારે પાણીના સેમ્પલ લઈ જાય છે પણ કઈ મળતું નથી.

સ્થાનિક રહીશોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીમાંનું પાણી કેટલાક લોકો વપરાશમાં પણ લે છે. આ ઉપરાંત નદી પાસે કેટલાકના બોર છે પરંતુ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા આ બોરમાં પણ કેમિકલ વાળું જ પાણી ભળે છે જેથી વપરાશ માટે તેમજ પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય છે. વિશ્વામિત્રી નદી જ્યાંથી વહે છે ત્યાં શુદ્ધ પાણી આવે છે અને ગામ નજીક આવતા દુષિત થઇ જાય છે. જેનો કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી.


સ્થાનિક રહીશો દ્વારા આ અંગે સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી આ અંગેની રજૂઆત કરી છે અને આ સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના સભ્યોને જરૂરી સૂચના આપવામાં આવે અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Share :

Leave a Comments