મકરપુરાના જશોદાનગરમાં પાલિકાની ડોર-ટુ-ડોર કચરાની ગાડીના અકસ્માતમાં ઓટલા પર બેઠેલા યુવકનું કરુણ મોત

જશોદાનગરમાં રહેતા અનિલ ઠાકોર તેની માતા સાથે ઘરની બહાર ઓટલા પર બેઠા હતા

MailVadodara.com - A-young-man-sitting-on-a-veranda-died-tragically-in-an-accident-involving-a-municipal-door-to-door-garbage-collection-vehicle-in-Jashodanagar-Makarpura

- કચરાની ગાડી પૂરઝડપે આવી ઓટલા સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી

- મૃતકના ભાઈનો આક્ષેપ, ડ્રાઇવર નશાની હાલતમાં હતો અને તેની પાસેથી દારૂની બોટલ મળી આવી


વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જશોદાનગરમાં પાલિકાની ડોર-ટુ-ડોર કચરાની ગાડીના અકસ્માતમાં ઓટલા પર બેઠેલા એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. પૂરઝડપે આવેલી ગાડી ઘરના ઓટલા સાથે અથડાઈને પલટી ખાઈ જતાં યુવકને નાક અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે મકરપુરા પોલીસ મથકમાં ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જશોદાનગરમાં રહેતા અનિલ ઠાકોર મકરપુરા GIDCમાં નોકરી કરતા હતા. તેમની બહેન ગર્ભવતી હોવાથી સોમવારે તેને ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાનું હતું. જોકે, અનિલભાઈ બહેન સાથે હોસ્પિટલ જઈ શક્યા નહોતા અને બપોરના સમયે ઘરે જ હતા. બપોરે ભોજન લીધા બાદ અનિલભાઈ અને તેમની માતા ઘરની બહાર ઓટલા પર બેઠાં હતાં.


તે દરમિયાન અચાનક ડોર-ટુ-ડોર કચરાની ગાડી પૂરઝડપે આવી હતી અને ઓટલા સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અનિલભાઈને નાક અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. સ્થાનિક લોકોએ ગાડીના ચાલકને પકડી લીધો હતો.

બીજી તરફ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત અનિલભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમણે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી ન્યાયની માંગ કરી હતી. શહેરમાં ડોર-ટુ-ડોર કચરાની ગાડીઓથી થતા અકસ્માતો અંગે પણ ફરી એકવાર સવાલો ઊભા થયા છે.


મૃતકના ભાઈએ જણાવ્યું કે તેમનો ભાઈ અનિલભાઈ સોમાભાઈ ઠાકોર ઘર પાસે આવેલા ઓટલા પર બેઠેલા હતા. તે સમયે VMCની કચરાની ગાડી પાછળથી આવી હતી. તે ગાડીનો ડ્રાઇવર ટેમ્પાવાળો નશાની હાલતમાં હતો અને તેની પાસેથી દારૂની બોટલ પણ મળી આવી છે. ઓટલા પર બેઠેલા તેમના ભાઈ ઉપર ડ્રાઇવરે ગાડી ઉપર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં તેમના ભાઈની નાક પર, ગળા પર, છાતીના ભાગે તેમજ પાછળના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેમનું મૃત્યુ થયું છે.

Share :

Leave a Comments