- સયાજી હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં નિષ્ણાતોએ ફેફસામાં સમસ્યા હોવાથી સરફેક્ટન્ટ, જ્યારે આંખોમાં પડદામાં સમસ્યા હોવાથી એન્ટી વી.ઈ.જી.એફ ઇન્જેક્શન આપી નવજીવન આપ્યું
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં બાળરોગ નિષ્ણાતો સામે એક ચેલેન્જ હતી, તે 56 દિવસ બાદ તેઓએ પૂર્ણ કરી છે. વાત એમ છે કે, સયાજી હોસ્પિટલમાં આવેલ બાળરોગ વિભાગમાં મધ્યપ્રદેશની એક મહિલાને 32 અઠવાડિયે જ બાળકને જન્મ આપતા બાળકનું વજન ઓછું, શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસા સાથે આંખના પડદામાં સમસ્યા હતી. જે નિષ્ણાતોએ ચેલેન્જ લઇ 56 દિવસે બાળકને સંપૂર્ણ સ્વસ્થ કરી માતા-પિતાને સોંપવામાં આવ્યું છે.
આ બાળકના માતા-પિતા મધ્યપ્રદેશના વતની છે અને તેઓ પ્રિમેચ્યોર બાળકને જન્મ આપતા આ બાળકનું વજન 990 ગ્રામ હતું. સાથે તેને શ્વાસ લેવામાં અને ફેફસાં વિકાસ પામેલા ન હતા. જેથી બાળરોગ વિભાગમાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં બાળકીના માતા-પિતાનો સિંહ ફાળો રહ્યો છે. માતા-પિતા સતત 12થી 15 કલાકની હાજરીથી આ બાળકને સારવાર આપવામાં સરળતા રહી છે. જે એક કાંગારુ કેર કહી શકાય છે. અહીંયા બાળકીને 56 દિવસ સુધી વિવિધ ટ્રીટમેન્ટ આપી નવજીવન આપી આખરે માતા-પિતાને સોંપતા ખુશીઓનો પાર ન રહ્યો હતો.
બાળકી જન્મતાની સાથે જ NICUમાં દાખલ કરવામાં આવી હતી. તેને ફેફસા અને શ્વાસમાં તકલીફ હોવાથી CPAP સપોર્ટ દ્વારા 5 દિવસ સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. બાદમાં ફેફસાનો વિકાસ સિમિત હોવાથી તેને રૂપિયા 10 હજારની કિંમતનું સરફેક્ટન્ટ નામનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. સાથે સમય કરતાં વહેલું જન્મ્યું હોવાથી આંખોના પડદામાં તકલીફ હોવાથી એન્ટી વી.ઇ.જી.એફ નામનું ઇન્જેક્શન જે 20 હજારની કિંમતનું છે તે પણ આપવાની ફરજ પડી હતી. બાળરોગ નિષ્ણાતો દ્વારા 56 દિવસ બાદ બાળકનું વજન 990 ગ્રામમાંથી 1.660 કિલોગ્રામ થયું છે અને તેને સફળતા પૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે.
આ બાબતે નિષ્ણાતે જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનામાં આવા 3થી વધુ બાળકોને જીવનદાન આપવામાં આવ્યું છે. આવા રેર કેસ હોય છે જેની શક્યતા 0.33 ટકા રહેલી છે. આ સંપૂર્ણ નવજીવન પાછળ નિષ્ણાત ડો.સ્વેતા ભટ્ટ, ડો.જયેશ સોલંકી (એ.પ્રો), એચઓડી ડો. ઓમ પ્રકાશ શુક્લા અને સમગ્ર રેસિડન્ટ નર્સિંગ સ્ટાફની મહેનત ખૂબ કામે લાગી છે.