કારેલીબાગની વલ્લભનગર સોસાયટીમાં 80થી 82 કિલો નાડાછડીમાંથી 12 ફૂટની શ્રીજીની પ્રતિમા તૈયાર કરાઇ

કારેલીબાગમાં 11મા વર્ષે પણ ગણેશ મંડળે પર્યાવરણમૈત્રી મૂર્તિ સ્થાપવાની પરંપરા જાળવી રાખી

MailVadodara.com - A-12-foot-idol-of-Lord-Shrijii-was-created-using-80-to-82-kilograms-of-nadachhadi-in-the-Vallabhnagar-Society-of-Karelibaug

- 25 યુવાનોની દોઢ મહિનાની મહેનત, રૂ.16,700ના ખર્ચે મૂર્તિનું નિર્માણ

- છેલ્લા 10 વર્ષથી કુદરતી સામગ્રીનો ઉપયોગ, ગત વર્ષે વડવાઈયા અને નાળિયેરની છાલ વપરાઈ હતી, આ વર્ષે નાડાછડીથી મૂર્તિ તૈયાર કરાઈ


ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વલ્લભનગર સોસાયટી ખાતે ગણેશ મંડળ દ્વારા છેલ્લા 10 વર્ષથી પર્યાવરણમૈત્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી રહી છે. આ મંડળનું આ 11મું વર્ષ છે. આ વર્ષે નાડાછડીમાંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.


આ વર્ષે મૂર્તિ બનાવવા માટે આશરે 80 થી 82 કિલો નાડાછડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 12 ફૂટ ઊંચી મૂર્તિ તૈયાર કરવામાં લગભગ દોઢ મહિનાનો સમય લાગ્યો છે, જેમાં મંડળના 25 જેટલા યુવાનોએ મહેનત કરી છે. મૂર્તિ બનાવવા પાછળ અંદાજિત રૂપિયા 16,700નો ખર્ચ થયો છે. નાડાછડી કુદરતી સામગ્રી હોવાથી તેનો ઉપયોગ કરીને મંડળ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. મંડળ દ્વારા દર વર્ષે અલગ-અલગ કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. ગત વર્ષે વડવાઈયો, પડિયા-પતરડા અને નાળિયેરની છાલમાંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. ગણેશોત્સવની ઉજવણી સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો મંડળનો મુખ્ય ઉદ્દેશ છે. પર્યાવરણમૈત્રી મૂર્તિ દ્વારા વધુને વધુ લોકો પર્યાવરણને અનુકૂળ રીતે ગણેશોત્સવ ઉજવે તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે.


શ્રી ગણેશ મંડળ દ્વારા ગણેશજીનું વિસર્જન કરવામાં આવતું નથી, જેથી પર્યાવરણ પર થતી વિસર્જનની અસરને પણ ટાળી શકાય. છેલ્લા 10 વર્ષથી મંડળ દ્વારા આ પર્યાવરણમૈત્રી પરંપરા જાળવી રાખવામાં આવી છે.


Share :

Leave a Comments