- શહેર-જિલ્લામાં મેરિટના આધારે 87 શિક્ષકોની નિમણૂક કરાઈ છે, જેમાં માધ્યમિક સ્કૂલોમાં 46 અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 41 શિક્ષકોનો સમાવેશ કરાયો
વડોદરા શહેર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ખાલી પડેલી 87 જગ્યાઓ પર શિક્ષકોની નિમણૂંકો કરવામાં આવી છે.
મળતી વિગતો પ્રમાણે જે શિક્ષકો પાંચ વર્ષ કરતા વધારે સમયથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ફરજ બજાવે છે તેમને અન્ય જિલ્લાની સ્કૂલોમાં મેરિટના આધારે બદલીનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં મેરિટના આધારે 87 શિક્ષકોની ખાલી જગ્યાઓ પર નિમણૂક કરાઈ છે. જેમાં માધ્યમિક સ્કૂલોમાં 46 અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 41 શિક્ષકોનો સમાવેશ થાય છે.
સૂત્રોનું કહેવું છે કે, એક પ્રકારે શિક્ષકોની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીઓ કરાઈ છે. જેના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં પણ શિક્ષકોની અન્ય જિલ્લામાંથી નિમણૂક થઈ છે. આ શિક્ષકોને ઓર્ડર આપવા માટે તા.9 માર્ચ, રવિવારના રોજ ડીઈઓ કચેરી ચાલુ રાખવામાં આવી હતી. જોકે ચિંતાજનક બાબત એ છે કે, 87 શિક્ષકોની ભરતી થયા બાદ પણ વડોદરા શહેર જિલ્લાની ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની 300 જગ્યાઓ ખાલી છે. શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માટે 2023માં રાજ્ય સ્તરે ટાટ પરીક્ષા લેવામાં આવી હતી. જોકે સરકારે પરીક્ષાના બે વર્ષ પછી પણ ભરતી કાર્યવાહી શરૂ નથી કરી.
માધ્યમિક સ્કૂલોમાં સૌથી વધારે ખાલી જગ્યાઓ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં એકાઉન્ટના શિક્ષકોની જગ્યાઓ વધારે ખાલી છે. ખાલી જગ્યાઓ ભરવામાં સરકારના શિક્ષણ વિભાગની ઉદાસીનતાના કારણે ગ્રાન્ટેડ સ્કૂલોમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનો અભ્યાસ પ્રભાવિત થઈ રહ્યો છે. કારણકે ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણતા હોય છે.