વડોદરા શહેરમાં ટીબી નિર્મૂલન ઝુંબેશ દરમિયાન 622 ટીબીના નવા દર્દીઓ શોધવામાં આવ્યા

વડોદરા શહેરમાં 7 ડિસેમ્બર, 2024થી 100 દિવસની ટીબી નિર્મૂલન ઝુંબેશ શરૂ કરાઇ છે

MailVadodara.com - 622-new-TB-patients-detected-during-TB-eradication-campaign-in-Vadodara

- અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં કુલ 12300 દર્દીઓના છાતીના એક્સ-રે કરવામાં આવ્યા, 622 ટીબીના નવા દર્દીઓ વહેલાસર શોધીને સારવાર પર મુકાયા

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીબી નિર્મૂલનની કામગીરીને વેગ આપવા વડોદરા શહેરમાં તા. 7 ડિસેમ્બર, 2024થી 100 દિવસની ટીબી નિર્મૂલન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન આરોગ્યની ટીમો દ્વારા ઘરે ઘરે જઈ ટીબીના શંકાસ્પદ કેસો શોધવા, મળેલ શંકાસ્પદ દર્દીઓનો છાતીનો એક્સ-રે કે ગળફાની નાટ તપાસ કરી દર્દીઓ વહેલા શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં તા. 7/12/2024 બાદ કુલ 622 ટીબીના નવા દર્દીઓ વહેલાસર શોધીને સારવાર પર મુકાયા છે.

અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં કુલ 12300 દર્દીઓના છાતીના એક્સ-રે કરવામાં આવ્યા છે. આ એક્સ-રે અર્બન સામુહિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય સરકારી હોસ્પિટલ ખાતે નિશુલ્ક કરવામાં આવી રહ્યા છે. એક્સ-રે સેવાઓ લોકોને ઘરની નજીકના વિસ્તારમાં મળી રહે તે માટે દિપક ફાઉન્ડેશનની કુલ 2 એક્સ-રે નિદાન વાન દ્વારા અગાઉથી આયોજન કરી દુરના વિસ્તારમાં કે અર્બન સ્લમ વિસ્તારમાં જઈ એક્સ-રે પાડવામાં આવી રહ્યા છે. દિપક ફાઉન્ડેશનની એક્સ-રે નિદાન વાન દ્વારા દર્દીને ઘર આંગણે કુલ 3362 એક્સ-રે પાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટીબીએ જંતુજન્ય ચેપી રોગ છે, ટીબી થવાની શક્યતા નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા વ્યક્તિઓમાં વધુ હોય છે. આ સમગ્ર ઝુંબેશ દરમિયાન ટીબી થવાની વધુ શક્યતા ધરાવતા વ્યક્તિઓ જેવી કે ટીબીના દર્દીના સંપર્કમાં આવેલ હોય, અગાઉ ટીબી થયો હોય, જેની ઉમર 60 વર્ષ કરતા વધુ હોય, ડાયાબિટીસ હોય, ધૂમ્રપાનની ટેવ હોય, દારૂની આદત હોય, કુપોષીત હોય કે લાંબા સમયની અન્ય બિમારી હોય તેવા તમામ વ્યક્તિઓને છાતીનો એક્સ-રે કરી ટીબીનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.

ટીબીના શંકાસ્પદ દર્દીઓ કે જેને ખાંસી આવતી હોય, તાવ આવતો હોય, વજનમાં ધટાળો થયો હોય કે, રાત્રે પરસેવો થવો જેવા લક્ષણો હોય તેવા તમામ દર્દીઓના ગળફાની આધુનિક ટેસ્ટીંગ પદ્ધતિ નાટ દ્વારા તપાસ કરવામાં આવે છે. વડોદરા શહેરમાં અત્યાર સુધી 3935 દર્દીઓના ગળફાની નાટ દ્વારા તપાસ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ, ઔધોગિક એકમોના સી.એસ.આર કે વ્યક્તિગત દાતાઓ દ્વારા ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને ઝડપી સાજા થાય એ હેતુથી 980 જેટલા દર્દીઓને દર મહિને રાશન કીટ આપવામાં આવે છે.

જે દર્દીઓને ખાંસી આવતી હોય, તાવ આવતો હોય, વજનમાં ઘટાળો થતો હોય, રાત્રે પરસેવો થવો જેવા લક્ષણો હોય તો તાત્કાલિક નજીકના અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનામાં તપાસ કરાવે. વધુમાં જે વ્યક્તિઓને ટીબીના દર્દીઓ સાથે સંપર્કમાં આવ્યા હોય, છેલ્લા પાંચ વર્ષમાં જેને ટીબી થયો હોય, ડાયાબિટીસ હોય, ધૂમ્રપાન કરતા હોય, જેની ઉમર 60 વર્ષથી વધુ હોય, વ્યક્તિ કુપોષીત હોય તો, તેઓને ટીબી થવાની શક્યતા વધુ હોઈ, ટીબીના લક્ષણો ન હોય તો પણ ટીબીની તપાસ અને છાતીનો એકસ રે કરાવવો જરૂરી છે.

Share :

Leave a Comments