- ગંભીર રીતે દાઝેલા યુવકને સરકારી હોસ્પિટલ ખસેડાયો, તબીબે મૃત જાહેર કરતા પરિવાર શોકમાં, પોલીસે અકસ્માતે મોતની નોંધની કાર્યવાહી શરૂ કરી
સાવલીના રાણીયા ગામે વીજ કરંટ લાગવાથી 40 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. રાણીયા ગામે શેડના નિર્માણની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.
સાવલીના રાણીયા ગામ ખાતે પતરાના શેડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. દરમિયાન મહંમદ ઉદેશીહ રાણા નામના 40 વર્ષીય યુવકને વીજકરંટ લાગ્યો હતો. આ કરંટ એટલો શક્તિશાળી હતો કે, મહંમદભાઈ ઘટનાસ્થળે જ ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો અને સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઉપસ્થિત લોકોએ તુરંત જ બચાવ કામગીરી હાથ ધરીને મહંમદભાઈને તાત્કાલિક સારવાર અર્થે સાવલીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. વીજકરંટના કારણે શરીર પર ગંભીર ઈજાઓ પહોંચવાને લીધે તેમનું મોત થયું હતું.
યુવકના મોતથી હોસ્પિટલ પરિસરમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. રાણીયા ગામમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકનો માહોલ છવાઈ ગયો છે. સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને કયા સંજોગોમાં વીજ કરંટ લાગ્યો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.


