- દીવાલ નીચે દબાઈ જતાં 40 વર્ષીય ચંપાબેને ઘટનાસ્થળે જ દમ તોડ્યો
- દીવાલ પાસે ઊભેલી એક રિક્ષાનો પણ કચ્ચરઘાણ વળી ગયો, જેસીબી મશીન દ્વારા કાટમાળ હટાવાયો

વડોદરાના જૂનીગઢીમાં જૂની ભદ્ર કચેરી તાલુકા પોલીસ મથકની દીવાલ ધરાશાયી થતા એક મહિલાનું મોત નીપજ્યું છે. દીવાલ નીચે દબાઈ જતાં 40 વર્ષીય ચંપાબેન નામના મહિલાએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. ઘટનાને પગલે પાણીગેટ ફાયર સ્ટેશન અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તો બીજી તરફ મહિલાના પરિવારજનો પણ પહોંચી જતાં ભારે આક્રંદથી માહોલ તંગ બન્યો હતો. જૂનીગઢીમાં ગણેશ વિસર્જન અગાઉ જ ઘટના બની છે. ગણેશ પંડાલની 200 મીટર દૂર આ ઘટના બની છે. સાંજે વિસર્જન દરમિયાન જો ઘટના ઘટી હોત તો મોટી દુર્ઘટના બની હોત.


આ ઘટનામાં દીવાલ પાસે ઊભેલી એક રિક્ષાનો પણ કચ્ચરઘાણ વળી ગયો છે. પોલીસ દ્વારા મહિલાના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 100 ફૂટ જેટલી દીવાલ ધરાશાયી થઈ છે. હાલમાં જેસીબી મશીન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે.


મૃતક ચંપાબેનની માતા રેવાબેને જણાવ્યું હતું કે, છથી સાત વર્ષથી અહીંયા આસપાસ બેસી રહેતી હતી. તેને ઘરે ગમતું નહતું અને તેને તલાક આપેલ હોવાથી તે અહીંયા બેસી રહેતી હતી. રાત્રે એક દોઢ વાગે ઘરે આવે અને સવારે પાછી અહીંયા આવી જતી હતી. બધા લોકો ખાવાનું અને કપડા આપતા હતા. તેની અંદાજિત ઉંમર 40 વર્ષ હશે.


આ મામલે ડેપ્યુ ચીફ ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું કે, ભદ્ર કચેરી વિસ્તારમાં દીવાલ ધરાશાયી થવાનો કોલ મળતા પાણીગેટ ફાયર સ્ટેશન અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તુરંત જ 10થી 12 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ સ્થળે પહોંચી જઈ રેસ્ક્યૂની કામગીરી શરૂ કરી હતી અને મહિલાનો મૃતદેહ કાટમાળ નીચેથી બહાર કાઢ્યો હતો. વધુમાં ઉમેર્યું કે, ગણેશ વિસર્જનને લઈ વડોદરા ફાયરની ટીમો તૈયાર છે. દરેક તળાવ પર ફાયરના કર્મીઓ હાજર છે. સાથે જ દરેક ફાયર સ્ટેશનમાં પણ આગ અને અકસ્માતમાં બચાવ કામગીરી માટે ફાયરકર્મીઓ તૈનાત છે.



આ મામલે DCP એન્ડ્રુ મેકવાને જણાવ્યું કે, ગ્રામ્ય તાલુકા પોલીસ કચેરી પાસે દીવાસ પડવાની ઘટના બની છે, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં કોર્પોરેશન સાથે મળીને કાટમાળ જલદી હટે તે માટેની કામગીરી શરૂ કરાઈ છે.


