- નવ પાઇલ બનાવી તેના ઉપર એક પિયર બનાવવાની થતી કામગીરી, ચાર મેટ મશિન ઉપરાંત પાંચ ક્રેઇન, ૮ હાઇડ્રો મશિન, ૯ હિટાચી, ૬ ડમ્પર, ૪ જેસીબી સહિતના મશીનોનો ઉપયોગ
- જૂના પૂલના તૂટેલા ભાગને જોડવા માટે લોખંડનું મજબૂત માળખું ઉભુ કરવાની કામગીરી

વડોદરા અને આણંદને જોડતા મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તત્કાલ નવો પૂલ બનાવવા આપેલી સૂચનાનું તાબડતોબ અમલીકરણ થઇ રહ્યું છે. મહી નદી પર, ઉપરવાસમાં જૂના પૂલની સમાંતર નવો પૂલ બની રહ્યો છે. આ પૂલનું ૨૫ ટકા જેટલું કામ પૂર્ણ થઇ ગયું છે. આંકલાવ તરફ પાંચ પિયર બનવાની તૈયારી છે.

મહી નદીના કિનારે અને અંદર પિયરના પાયા નાખવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાર મેટ મશિન કામે લગાડવામાં આવ્યા છે. આ મશિન દ્વારા પાયાનું ખોદાણ કરવામાં આવે છે. એક પિયર માટે નવ પાઇલ નાખવામાં આવે છે. નવ પાઇલ ઉપર એક પિયર બનશે. નદીની અંદર ૩૭થી ૪૫ મિટર ઉંડાઇએ કડક જમીન મળે છે. એટલે આ નવ પાઇલ ૩૭થી ૪૫ મિટર ઉંડાઇથી નાખવામાં આવે છે.

પૂલ તૂટવાને કારણે લોકોને પડતી મુશ્કેલી ધ્યાને રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તત્કાલ નવા બ્રિજ બનાવવા માટે મંજૂરી આપી હતી. રૂ. ૧૮૦ કરોડના ખર્ચથી ૯૬૫ મિટર લંબાઇ, ૧૭ મિટરની ઉંચાઇ અને ૩૭ મિટર પહોળાઇનો નવો બ્રિજ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે.
આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાના ધ્યેય સાથે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ચાર મેટ મશિન ઉપરાંત પાંચ ક્રેઇન, ૮ હાઇડ્રો મશિન, ૯ હિટાચી, ૬ ડમ્પર, ૪ જેસીબી સહિતના મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


વિશેષ વાત તો એ છે કે પૂલના બન્ને છેડા ઉપરથી કામ ચાલી રહ્યું છે. કામ શરૂ થયું ત્યારે ૨૦૦ શ્રમયોગીઓ કામ કરતા હતા. પણ પૂલનું કામ ઝડપથી પૂર્ણ કરવાનું હોવાથી હવે ૬૦૦ જેટલા શ્રમયોગીઓ કામ કરી રહ્યા છે.



અરબી સમુદ્રમાં આવતી ભરતી-ઓટના કારણે મહી નદીના પ્રવાહમાં થતી વધઘટના પડકારનો સામનો કરવા માટે અંદર માટીના પાળા ઉભા કરવામાં આવ્યા છે. એના અંદર નદીના પ્રવાહ માટે નાળા મૂકવામાં આવ્યા છે. જેથી પાણીનો પ્રવાહમાંથી પસાર થઇ શકે. પૂલ બનાવવા માટે કાટ વિરોધી કોટિંગ સાથેના સળિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કુલ ૨૨ પિયર બનાવવામાં આવશે.


મુખ્યમાર્ગથી નદીની અંદર જ્યાં કામ ચાલી રહ્યું છે, તે ભાગની ઉંડાઇ વધુ હોવાથી ત્યાં સુધી સામાન લઇ જવાનું કામ કપરૂ છે. આ પડકારને પહોંચી વળવા માટે અંદરનો ભાગ પહોળો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂલના મધ્ય ભાગમાં સ્લેબ ચઢાવવા, બાકીના પિયર ઉપર સ્લેબ ચઢાવવા માટે ત્યાં સુધી તેને લઇ જવાનો ઇજનેરી કૌશલ્ય સામે પડકાર છે.
આ ઉપરાંત, દ્વિચક્રી વાહનોના પરિવહન માટે જૂના બ્રિજના તૂટેલા ભાગને જોડવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. તૂટેલા ભાગ ઉપર લોખંડનું માળખું ઉભી કરી દ્વિચક્રી વાહનો માટેની વ્યવસ્થા કરવામાં આવશે.


