પશ્ચિમ રેલ્વે વડોદરા વિભાગ દ્વારા મિયાગામ કરજણ-ડભોઈ-પ્રતાપનગર ડેમુ ટ્રેન સેવા 15 માર્ચથી શરૂ કરાશે

7 વર્ષથી બંધ ડભોઈ-કરજણ રેલવે લાઈન ફરી શરૂ થશે, મુસાફરો માટે ખુશીના સમાચાર

MailVadodara.com - Western-Railway-Vadodara-Division-will-start-Miyagam-Karjan-Dabhoi-Pratapnagar-DEMU-train-service-from-March-15

- મિયાગામ કરજણ સ્ટેશન પર આયોજિત સમારોહમાં ભરૂચના સાંસદ તથા અન્ય જનપ્રતિનિધિઓ તેમજ ડભોઈ સ્ટેશન પરથી છોટાઉદેપુરના સાંસદ અને અન્ય જનપ્રતિનિધિઓ દ્વારા ટ્રેનને મિયાગામ કરજણ તરફ લીલી ઝંડી આપશે

ડભોઈ અને કરજણ વિસ્તારના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. લગભગ 7 વર્ષથી બંધ રહેલી ડભોઈ-કરજણ રેલવે લાઈન ફરી શરૂ થવા જઈ રહી છે. મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગ દ્વારા મિયાગામ કરજણ-ડભોઈ-પ્રતાપનગર ડેમુ ટ્રેન સેવા તા. 15 માર્ચથી શરૂ કરવામાં આવશે.

માહિતી મુજબ તા.15ના રોજ રવિવારે સવારે 10.00 વાગ્યે ડભોઈથી મિયાગામ કરજણ માટે પ્રથમ ટ્રેન રવાના થશે, જેને લઈને ડભોઈ તેમજ કરજણ વિસ્તારના લોકોને લાંબા સમયથી રાહ જોવાતી ટ્રેન સેવા ફરી શરૂ થતાં ખુશીની લાગણી વ્યાપી છે.

આ ડેમુ ટ્રેનની ઉદ્ઘાટન સેવા મિયાગામ કરજણ અને ડભોઈ વચ્ચે કાર્યરત રહેશે. મિયાગામ કરજણ સ્ટેશન પર આયોજિત સમારોહમાં ભરૂચના સાંસદ તથા અન્ય જનપ્રતિનિધિઓ દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે.

તે જ રીતે ડભોઈ સ્ટેશન પર આયોજિત કાર્યક્રમમાં છોટાઉદેપુરના સાંસદ અને અન્ય જનપ્રતિનિધિઓ દ્વારા ટ્રેનને મિયાગામ કરજણ તરફ લીલી ઝંડી આપવામાં આવશે.

રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ ઉદ્ઘાટન બાદ આ ટ્રેનની નિયમિત સેવા ડભોઈ થઈને મિયાગામ કરજણ અને પ્રતાપનગર વચ્ચે દોડશે, જેના કારણે આ વિસ્તારના મુસાફરોને મુસાફરીમાં મોટી રાહત મળશે.

Share :

Leave a Comments