- મહીસાગર નદી પર આવેલા રાયકા પાણીના સ્ત્રોતથી આવતી જૂની 1354 મીમી વ્યાસની ફીડર નળીને નવી 1524 મીમી વ્યાસની ફીડર નળી સાથે જોડવાની કામગીરીને કારણે પાણી પુરવઠો ખોરવાશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ શહેરના આશરે 10 લાખ નાગરિકોને આગામી 5 અને 6 ઓગસ્ટના રોજ પાણીનો પુરવઠો મળશે નહીં. મહીસાગર નદી પર આવેલા રાયકા પાણીના સ્ત્રોતથી આવતી જૂની 1354 મીમી વ્યાસની ફીડર નળીને નવી 1524 મીમી વ્યાસની ફીડર નળી સાથે જોડવાની કામગીરીને કારણે પાણી પુરવઠો ખોરવાશે.
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું છે કે, આ જરૂરી શટડાઉન 5 ઓગસ્ટના રોજ સવારના પાણી વિતરણ બાદ શરૂ થશે. આ શટડાઉનની અસર હેઠળ 5 ઓગસ્ટની સાંજે અને 6 ઓગસ્ટના સવારે પાણી વિતરણ બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ થશે. આ શટડાઉનની અસર શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં પાણી પુરવઠો આપતા મથકો પર જોવા મળશે. જેને પગલે એરપોર્ટ બૂસ્ટર, કારેલીબાગ, બકરાવાડી, ખોડિયારનગર, આજવા, વારસીયા, વ્હીકલપુલ, નવલખી, દરજીપુરા, જુની ઘડી, ફતેપુરા, નવી ધરતી, સાધનાનગર, નોર્થ હરણી, પૂનમનગર, સમા, સયાજીબાગ, જેલ રોડ, લાલબાગ ટાંકી, નાલંદા ટાંકી (આંશિક અસર) અને પાણીગેટ ટાંકી (આંશિક અસર) અસરગ્રસ્ત વિસ્તારોમાં બૂસ્ટર અને ટાંકીઓનો સમાવેશ થાય છે.
આ અંગે પાણી પુરવઠા અધિકારી જતીન બધેકાએ જણાવ્યું હતું કે, 'અમે નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તેઓ 5 અને 6 ઓગસ્ટ માટે જરૂરી પાણીનો સંગ્રહ કરી લે. આ કામગીરી શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અનિવાર્ય છે. નાગરિકોના સહયોગથી આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થશે.'
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોને આગોતરા પાણીનો સંગ્રહ કરવાની અને આ કામગીરીમાં સહયોગ આપવાની વિનંતી કરી છે. આ શટડાઉન શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી છે, જેથી ભવિષ્યમાં નાગરિકોને સુધારેલી સેવા મળી શકે.


