- કામગીરી બાદ પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં 2 એમએલડીની પાણીની ઘટ પૂરી થશે
નિમેટાથી આજવા તરફ બનાવેલી પાણીની લાઈનનું આજવાના મેનિફોલ્ડ સાથે જોડાણ કરાશે. જેને પગલે આજથી 3 દિવસ એટલે 27મી સુધી આજવાથી 6 ટાંકી, 7 બુસ્ટરને પાણી નહીં મળે, જેથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારના 5 લાખ લોકોને પાણી વિના હાલાકી થશે. જોકે કામગીરી બાદ પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં 2 એમએલડીની પાણીની ઘટ પૂરી થશે.
આજવાથી નિમેટા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ સુધી 750 મિમી ડાયાને બદલી 1524 મિમી લાઈન બેસાડવાનું પૂર્ણ કરાયું છે. નિમેટા પ્લાન્ટ-2માં આજવાથી આવતી લાઇનનું જોડાણ કરાશે. આ કામગીરી પૂરી થયા બાદ દરેક ટાંકી દીઠ 2 એમએલડી પાણીનો વધારો થશે.
લાઇનનું આજવાના મેનિફોલ્ડ સાથે જોડાણ કરાશે, જેથી 25મી, 26મી અને 27મી નવેમ્બેર પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણી નહીં મળે. ખાસ કરીને આજવાથી પૂર્વ વિસ્તારમાં આવેલી ટાંકીઓને સૌથી વધુ અસર થશે. સાથે સંખેડા દશાલાડ, મહેશનગર, સોમા તળાવ, દંતેશ્વર, મહાનગર તથા નંદધામ બુસ્ટરને પણ અસર થશે.
પાલિકા પાસે પાણીનાં 40 ટેન્કર છે, જેનાથી પૂર્વ વિસ્તારોની સોસાયટીઓમાં પાણી પહોંચાડવું શક્ય નથી. રોજ 40 થી 50 ફેરા માર્યા બાદ પણ પાણી પહોંચાડી શકાશે નહિ. પૂર્વ વિસ્તારની ટાંકીઓમાં પાણી નહિ હોય, જેથી ટેન્કરોએ ઉત્તર ઝોનની ટાંકી પર જવું પડશે. જેથી ઉત્તરની ટાંકીઓમાં ઘટની શક્યતા છે.


