મતદાર યાદી સુધારણાની સમયમર્યાદામાં વધારો, 12 રાજ્યોમાં SIR માટે વધુ સાત દિવસનો સમય મળશે

ભારતીય ચૂંટણી પંચે દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યોના મતદારોને મોટી રાહત આપી

MailVadodara.com - Voter-list-revision-deadline-extended-12-states-will-get-seven-more-days-for-SIR

- મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા કે અન્ય ફેરફારો કરવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે અગાઉ 4 ડિસેમ્બર હતી, તેને વધારીને હવે 11 ડિસેમ્બર કરવામાં આવી

- વડોદરા શહેર-જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોમાં ૧૦ ટકા મતદારો ઓટોમેટિક ડિલિટ થઇ જશે!

ભારતીય ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદી સુધારણાની મહત્ત્વપૂર્ણ પ્રક્રિયાને લંબાવવાનો નિર્ણય લીધો છે. જેને પગલે વડોદરામાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા ઝુંબેશનો સમયગાળો ચૂંટણીપંચ દ્વારા વધારાતા તંત્રને થોડી રાહત થઇ છે અને મતદાર યાદી તૈયાર કરવામાં વધુ સમય મળશે. તેમજ જેમણે હજી સુધી ફોર્મ ભર્યું નથી તેમને વધુ એક તક મળી છે. બીજી બાજુ વડોદરા શહેર અને જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોમાં કુલ ૧૦ ટકા મતદારો ઓટોમેટિક ડિલિટ કરી દેવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા કાર્યક્રમ મુજબ, મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા કે અન્ય ફેરફારો કરવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે અગાઉ 4 ડિસેમ્બર હતી, તેને વધારીને હવે 11 ડિસેમ્બર કરવામાં આવી છે.

બીએલઓ દ્વારા થતી ખાસ સઘન સુધારણા ઝુંબેશ દરમિયાન ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ ફોર્મ પરત મેળવીને બીએલઓ દ્વારા ઓનલાઇન એન્ટ્રી કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરામાં કુલ ૮૫ ટકા ડિજિટાઇઝેશન કામ પૂર્ણ થયું છે, જેમાં ૧૦ ટકા મતદારો એવા છે જેમના નામો અન્ય વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલતા હોય છે અથવા મતદારો શિફ્ટ થયા હોય તેમજ મૃત્યુ પામ્યા હોય તેવા અનેક પુરાવા મળ્યા છે. આ ૧૦ ટકા મતદારોને બાદ કરતાં હયાત ૭૫ ટકા મતદારોનું ડિજિટાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હવે તા.૧૧ ડિસેમ્બર સુધી ફોર્મ પરત જમા કરાવવા માટેની મુદત ચૂંટણી પંચ દ્વારા વધારવામાં આવી છે.

ચૂંટણી પંચના સચિવ અશ્વિની કુમાર મોહલે અમદાવાદ બાદ વડોદરા આવ્યા હતાં. તેમણે મતદાર યાદી સઘન સુધારણા અભિયાનની કામગીરીની સમીક્ષા કરી મતદાર નોંધણી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં ચાલતી મતદાર નોંધણી, સુધારા પ્રક્રિયાઓની વિગતો મેળવી હતી. તેમણે બાકી રહેલા કેસોની ત્વરિત કાર્યવાહી કરી અભિયાન નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં હવે 11 ડિસેમ્બર સુધી મતદારો તેમના નજીકના બૂથ પર જઈને અથવા ઓનલાઈન માધ્યમથી મતદાર યાદી સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. SIRની પ્રક્રિયા ગુજરાત સહિત છત્તીસગઢ, ગોવા, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો જેમકે આંદામાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ, પોંડિચેરીમાં ચાલી રહી છે. ચૂંટણી પંચે તમામ પાત્ર નાગરિકોને આ લંબાવાયેલી સમયમર્યાદાનો લાભ લેવા અને સમયસર મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી લેવા અપીલ કરી છે.

Share :

Leave a Comments