- પથ્થરગેટ, નાની ખારવાડ વિસ્તારમાં ત્રણ મહિનાથી દૂષિત પાણી આવતા પ્રજા પરેશાન
- કોંગ્રેસના નવા ચૂંટાયેલા સભ્યોનું અધિકારીઓને અલ્ટીમેટમ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ છે. પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ભાજપનું વર્ષોથી મહાનગર પાલિકામાં શાસન હોવા છતાં કેટલાક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી તો કેટલાક વિસ્તારોમાં પાણી મળતું જ નથી. હાલમાં ઉનાળાની શરૂઆત થઈ છે ત્યારે પૂર્વ વિસ્તારમાં આજવા સરોવર હોવા છતાં ટેન્કરરાજ શરૂ થઈ ચૂક્યું છે. શહેરના વોર્ડ 14માં આવેલા નાની ખારવાવાડ વિસ્તારમાં રહીશો દૂષિત પાણીના કારણે પરેશાન થઈ ઉઠ્યા છે.

વોર્ડ 14માં કોંગ્રેસના ચૂંટાયેલ બે પ્રતિનિધિઓને નાની ખારવાવાડ વિસ્તારમાં કાળું પાણી આવતું હોવાની ફરિયાદ મળી હતી. જેના પગલે તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. કોંગ્રેસના સભ્યો તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે સ્થળ ઉપર જઈને લોકોની સમસ્યા સાંભળી હતી. છેલ્લા ત્રણ મહિનાથી આ સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. લોકોએ રજૂઆત તો કરી છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી.

શહેરના પથ્થરગેટ નાની ખારવાવાડ વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ પહોંચ્યા હતા. તેઓએ લોકોની સમસ્યા સાંભળી હતી. તીર્થ બ્રહ્મભટ્ટ અધીકારીઓને ચીમકી આપતા જણાવ્યું હતું કે, અહીંના લોકોને ત્રણ દિવસમાં શુધ્ધ પાણી આપવાની વ્યવસ્થા કરો નહીં તો આ દૂષિત પાણી અમે અધિકારીઓને પીવડાવીશું. અધિકારીઓ આ પાણી પીવા માટે તૈયાર રહેજો.

વોર્ડ 14ના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય દીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અહીંના લોકોને નળમાંથી જે પાણી મળી રહ્યું છે તે ન તો પીવા લાયક છે ન તો વાપરવા લાયક. પાલિકાના અધિકારીઓને કહીશ કે હવે સુધારી જાવ, આવું પાણી આ વિસ્તારમાં નહીં ચાલે. અમારે વીએમસીની ઓફિસમાં સત્યાગ્રહ કરવો પડશે તો પણ કરીશું. પણ મારા વિસ્તારના લોકોને શુધ્ધ પાણી મળે તેવા પ્રયત્નો કરીશ. અહીંના લોકો છેલ્લા કેટલાય સમયથી પરેશાન છે અને કોઈ સાંભળતું નથી. હવે તેવું નહીં ચલાવી લેવાય.
સ્થાનિક રહીશોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અમારા ઘરે મહેમાન આવે તો અમને પીવાના પાણીનો ગ્લાસ આપતા પણ શરમ આવે છે. કેટલા દિવસ અમે ખરીદીને પાણી લાવીએ? અમને પણ પાણી ખરીદીને લાવવું પોષાતું નથી. અમે અનેક રજૂઆત કરી છતાં દૂષિત પાણી આવે છે.
મહાનગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં જ પૂર્ણ થઈ છે. હજુ નવા પદાધિકારીઓની નિમણૂક નથી થઈ અને પાલિકાનું બોર્ડ પણ નથી બન્યું તે પહેલા જ શહેરની જૂની સમસ્યા એ મોટો પડકાર છે. શહેરમાં કેટલાય વિસ્તારમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે. હાલમાં ઉનાળાની મોસમ છે ત્યારે લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. નવા કોર્પોરેટરો હવે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવે છે તે જોવું રહ્યું.


