- સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન 30 અને 31 ઓક્ટોબરે એકતાનગર (કેવડિયા)ની મુલાકાત લેશે, જ્યાં જવા વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 અને 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર (કેવડિયા)ની મુલાકાત લેશે. જ્યાં જવા માટે વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કરશે, જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે વડોદરા શહેરને 29થી 31 ઓક્ટોબર દરમિયાન 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કર્યો છે. જેને લઈને જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા શહેરમાં તા. 30 અને 31 ઓક્ટોબરના રોજની મુલાકાતને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)-2023ની કલમ 163 અનુસાર શહેરમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કર્યો છે. આ આદેશ તા. 29 ઓક્ટોબરથી તા. 31 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. જેનો હેતુ વડાપ્રધાન અને જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે, કારણ કે દેશ વિરોધી તત્વો, આતંકવાદીઓ અને અસામાજિક તત્વો દ્વારા ડ્રોન જેવા સાધનોનો દુરુપયોગ થવાની શક્યતા છે.
વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન (Drone), ક્વાડકોપ્ટર (Quadcopter), પાવર્ડ એરક્રાફ્ટ (Powered Aircraft), માનવ સંચાલિત માઇક્રોલાઇટ એરક્રાફ્ટ (Microlight Aircraft), હેંગ ગ્લાઇડર અથવા પેરાગ્લાઇડર (Hang Glider/Para Glider), પેરા મોટર (Para Motor), હોટ એર બલૂન્સ (Hot Air Balloons), પેરા જમ્પિંગ (Para Jumping) તેમજ અન્ય સબ-કન્વેન્શનલ એરિયલ પ્લેટફોર્મ જેવા કે માનવ રહિત રિમોટ સંચાલિત વિમાન અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતા ઉપકરણો વગેરે સાધનો અને પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પોલીસ વિભાગ અને અન્ય સુરક્ષાબળોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેઓ આ સાધનોનો ઉપયોગ કરી શકશે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે આ આદેશ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના નોટિફિકેશન અનુસાર જારી કર્યો છે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ 223 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ માટે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.


