- નોટિસ આપવામાં આવેલ 25 પૈકી એકપણ ઢોરવાડા સંચાલકે કોર્પોરેશનની વોર્ડ કચેરી ખાતેથી જરૂરી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી નથી
વડોદરા શહેરમાં રખડતી ગાયના વધતાં ત્રાસ વચ્ચે પાલિકાએ સોમા તળાવ વિસ્તારમાં રખડતા ઢોર અંગે હાથ ધરેલા સર્વેના આધારે 25 જેટલા ઢોરવાડાના સંચાલકોને નોટિસ પાઠવી છે. નોટિસ મેળવનાર કોઈપણ ઢોરવાડા સંચાલકે લાયસન્સ લીધા નથી.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે શહેરના નિઝામપુરા વિસ્તારમાં રખડતા ઢોરના કારણે બાઇક ચાલક ભોગ બન્યો હતો. રાત્રિના સમયે પસાર થતા વાહનની વચ્ચે ઢોર આવી જતા યુવાન ડિવાઈડર પર પછડાયો હતો. સમગ્ર ઘટના બાદ રખડતા પશુના કારણે શહેરમાં વાહન ચાલકોની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટના બાદ પાલિકાની ઢોર ડબ્બા ટીમે નિઝામપુરાના કેટલાક ઢોરવાડા સંચાલકોને નોટિસ પાઠવી હતી. આ સાથે શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલ ઢોરવાડા ખાતે પણ પાલિકા તંત્રએ સર્વે હાથ ધર્યો હતો. જેમાં અહીં રાત્રિના સમયે નાગરિકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ઢોર છોડી દેનાર 25 ઢોરવાડાના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે.
નોટિસ આપવામાં આવેલ 25 પૈકી એકપણ ઢોરવાડા સંચાલકે કોર્પોરેશનની વોર્ડ કચેરી ખાતેથી જરૂરી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી નથી. ગૌપાલકની બેજવાબદાર નીતિના કારણે હાલ અનેક વાહન ચાલકો, રાહદારીઓ અને નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.


