વડોદરા પાલિકા દ્વારા 120 કરોડના વેરાની વસૂલાત બાકી, 790 કરોડ સામે 670 કરોડની વસૂલાત થઇ

આ વર્ષે વેરા વસુલાત માટે રૂા.790 કરોડનું લક્ષ્યાંક રખાયો, ગત વર્ષે 724 કરોડનું લક્ષ્યાંક હતું

MailVadodara.com - Vadodara-Municipality-has-pending-tax-collection-of-Rs-120-crore-against-Rs-790-crore-Rs-670-crore-has-been-collected

- હાલ સુધીમાં 22,000 કરદાતાઓને 6 કરોડની વ્યાજ માફી આપવામાં આવી, દરેક વોર્ડમાં 7થી 8 ટીમો વસુલાત માટે જોડાઇ, બાકી વેરાની મિલકતોના પાણીના કનેક્શનના કપાયાં

- આગામી 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંક પૂરું કરવા માટે પાલિકાના રેવન્યુ વિભાગના અધિકારીઓ દ્વારા કડક વસુલાત સાથે સાથે સીલ મારવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરા વસૂલાતમાં હવે કડકાઈ શરુ કરવામાં આવી છે. 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંક પૂરું કરવા માટે પાલિકાના રેવન્યુ વિભાગના અધિકારીઓ દ્વારા કડક વસુલાત સાથે સાથે સીલ મારવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકાના રેવન્યુ વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે વેરા વસુલાત માટે રૂ. 790 કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. જેની સામે હાલ સુધીમાં પાલિકાએ રૂ. 670 કરોડના વેરાની વસુલાત કરી લીધી છે. રહેણાંક અને બિન રહેણાંક બંને મિલ્કતો મળીને આગામી એક મહિનામાં 120 કરોડના વેરાની વસુલાત બાકી છે તે કરવામાં આવશે. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા આ વેરો વસૂલવા માટે હવે કડકાઈ શરુ કરવામાં આવી છે.


સુરેશ તુવેરે ઉમેર્યું હતું કે, હાલમાં રોજે રોજ 700થી 800 જેટલી બિન રહેણાંક મિલકત કે જેઓના વેરા બાકી છે તેને સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવે છે. તો રહેણાંક વિસ્તારમાં વેરો બાકી હોય તેઓના પાણીના કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. રોજેરોજ બિન રહેણાંક વિસ્તારમાં 2000થી 3000 મકાનધારકોને નોટિસ આપવામાં આવી રહી છે. દરેક વોર્ડમાં 7થી 8 ટીમો વેરા વસુલાતની કાર્યવાહીમાં જોતરાઈ છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મિલકતોનો વેરો બાકી છે તેઓ માટે વ્યાજ માફીની યોજના અમલી કરવામાં આવી છે. જે લોકો એકસાથે બાકી વેરો ભરે તેઓને બિન રહેણાંક મિલકતો માટે 60 ટકા અને રહેણાક મિલકતો માટે 80 ટકા કરવેરા માફીની યોજના છે. જે અંતર્ગત હાલ સુધીમાં 22,000 કરદાતાઓને 6 કરોડ જેટલી રકમની વ્યાજ માફી આપવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે 724 કરોડના વેરા વસુલાત માટેનું લક્ષ્યાંક રાખ્યું હતું. જો કે, 31 માર્ચ સુધીમાં પાલિકાએ 712 કરોડની જ વસુલાત કરી હતી. ગત વર્ષે પાલિકાને ફ્લડ ઈફેક્ટના કારણે વેરા વસૂલાતમાં લક્ષ્યાંક પાર પાડવામાં સફળતા મળી ન હતી, પરંતુ આ વખતે તેમાં સફળતા મળે તેવી આશા છે.

Share :

Leave a Comments