વડોદરામાં 2700થી વધુ ખાડા પુરવા મનપાની ઝુંબેશ શરૂ, નબળી કામગીરી સામે દંડનીય કાર્યવાહી કરાશે

વડોદરા પાલિકા દ્વારા શહેરના ચારેય ઝોનમાં વિશેષ સર્વે કરી 2700થી વધુ ખાડા શોધાયા

MailVadodara.com - Vadodara-Municipal-Corporation-launches-drive-to-fill-over-2700-potholes-penal-action-to-be-taken-against-poor-workmanship

- મેયર સ્થળ નિરીક્ષણ કરશે, વેબસાઇટ અને એપથી ફરિયાદ નોંધાવવા નાગરિકોને અપીલ

- સર્વે પૂર્ણ થતાં જ તમામ ખાડાઓને પૂરવા અને રસ્તાઓને પૂર્વવત કરવા માટે સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાના કડક આદેશ

વડોદરા શહેરમાં તાજેતરમાં પડેલા મુસળધાર વરસાદને કારણે અનેક મુખ્ય અને આંતરિક વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ જવાની અને મોટા પ્રમાણમાં ભયાનક ખાડા પડી જવાની ગંભીર સમસ્યા સામે આવી હતી. બિસ્માર રસ્તાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને રોજિંદા અકસ્માતો અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેને પગલે વડોદરા મહાનગરપાલિકામાં નાગરિકોની ફરિયાદોનો અંબાર લાગ્યો હતો. જનતાની આ વ્યાપક રજૂઆતો અને મુશ્કેલીઓને અત્યંત ગાંભીરતાથી ધ્યાને રાખીને હવે પાલિકા તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે અને શહેરના રસ્તાઓની દુરસ્તી માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે.

Vadodara Road Repair Campaign; VMC to Fine Contractors for Poor Quality

નાગરિકોની સમસ્યાના ઝડપી અને કાયમી ઉકેલ માટે પાલિકા દ્વારા શહેરના ચારેય ઝોનમાં એક વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન સમગ્ર શહેરમાંથી 2700થી પણ વધુ નાના-મોટા ખાડાઓની ઓળખ કરવામાં આવી છે. સર્વે પૂર્ણ થતાં જ તમામ ખાડાઓને પૂરવા અને રસ્તાઓને પૂર્વવત કરવા માટે સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવાના કડક આદેશ આપવામાં આવ્યા છે.

રસ્તાના સમારકામ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસે પણ કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું કે, રસ્તાના સમારકામની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. જો કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા નબળું કે હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવશે, તો તેમની સામે દંડનીય અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ સુધીમાં શહેરમાં પડેલા ખાડાઓ સંદર્ભે કોન્ટ્રાકટર સામે કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી.

બીજી તરફ મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું કે, શહેરમાં થઈ રહેલી ખાડા પૂરવાની કામગીરી યોગ્ય રીતે થાય અને કોઈ વેઠ ન ઉતરાય તે માટે સમગ્ર કામગીરીનું તેઓ પોતે સ્થળ પર જઈને જાતે જ નિરીક્ષણ કરશે. આ સાથે જ તેમણે નાગરિકોને પણ તંત્રના આંખ-કાન બનવા માટે અપીલ કરી છે. જો શહેરના કોઈ વિસ્તારમાં ખાડા પડ્યા હોય કે રસ્તો ખરાબ થયો હોય, તો નાગરિકો તેના ફોટા અને વીડિયો પાલિકાની અધિકૃત વેબસાઈટ અથવા મોબાઈલ એપ પર અપલોડ કરીને તંત્રનું ધ્યાન દોરી શકે છે. આનાથી પાલિકાની ટીમ ત્યાં પહોંચીને ત્વરિત કામગીરી હાથ ધરી શકશે. આ પગલાંથી વડોદરાના નાગરિકોને બિસ્માર રસ્તાઓથી જલ્દી જ રાહત મળે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

Share :

Leave a Comments