- રહેણાંકમાં 10 ટકા અને બિનરહેણાંકમાં 5 ટકા વળતર મળશે, ઓનલાઈન ભરપાઈ પર વધારાનો લાભ મળશે, મનપાએ રૂ.1000.76 કરોડનું વેરા લક્ષ્યાંક નક્કી કર્યો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત વેરાની એડવાન્સ ભરપાઈને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકાયેલી પ્રોત્સાહક વેરા વળતર યોજનાની મુદત હવે ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીને પગલે અમલમાં રહેલી આચારસંહિતાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન સીધો નીતિગત નિર્ણય લઈ શકતી ન હોવાથી જિલ્લા કલેક્ટર મારફતે ગાંધીનગર ચૂંટણી પંચ પાસેથી મંજૂરી માગવામાં આવી હતી. મંજૂરી મળતાં યોજનાનો સમયગાળો સત્તાવાર રીતે વધારાયો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ વર્ષે પણ પ્રોત્સાહક વેરા વળતર યોજના ૧૦ જૂનથી શરૂ કરી હતી, જે ૨૪ જુલાઈએ પૂર્ણ થઈ હતી. જોકે વધુ કરદાતાઓને લાભ મળે તે માટે યોજનાની મુદત લંબાવવાની રજૂઆત કરાઈ હતી. શહેરમાં ૮.૪૦ લાખ કરદાતાઓ છે. આ યોજના હેઠળ રહેણાંક મિલકતોના પ્રોપર્ટી ટેક્સમાં ૧૦ ટકા, જ્યારે બિન-રહેણાંક મિલકતોના પ્રોપર્ટી ટેક્સમાં ૫ ટકા વળતર આપવામાં આવે છે. ઉપરાંત, ઓનલાઈન વેરાની ભરપાઈ કરનાર કરદાતાઓને વધારાનું ૧ ટકા વળતર પણ અપાય છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલકત વેરાની આવકનો રૂા.૧૦૦૦.૭૬ કરોડનો બજેટ લક્ષ્યાંક નક્કી કર્યો છે. ૧ એપ્રિલથી ૨૪ જુલાઈ સુધી મિલકત વેરો, વ્યવસાય વેરો અને વાહનવેરા પેટે મળીને રૂા.૨૨૩.૭૦ કરોડની આવક નોંધાઈ છે.


