માંજલપુર પેટાચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ, ભાજપ-કોંગ્રેસે પદયાત્રા અને સંકલ્પ રેલીથી પ્રચાર કર્યો

પ્રચારના અંતિમ દિવસે રાજકીય જંગ તેજ, મતદાન પ્રક્રિયા આગામી 30 જુલાઈના રોજ યોજાશે

MailVadodara.com - Today-is-the-final-day-of-campaigning-for-the-Manjalpur-by-election-the-BJP-and-Congress-campaigned-through-foot-marches-and-Sankalp-rallies

- ભારે વરસાદની આગાહી વચ્ચે મતદાન પડકારરૂપ બનશે

- ભાજપે ચાર વોર્ડમાં પદયાત્રા યોજી, કોંગ્રેસ દ્વારા માંજલપુર ગામ ખાતે સંકલ્પ રેલીનું આયોજન કરાયું

વડોદરાના માંજલપુર વિધાનસભાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા આગામી 30 જુલાઈના રોજ યોજવામાં આવશે, ત્યારે ચૂંટણી પ્રચારના આજે (28 જુલાઈ) અંતિમ દિવસે બંને મુખ્ય પક્ષોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો કોંગ્રેસે સંકલ્પ રેલી કાઢી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.

માંજલપુર બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડતા તેના ઉપર પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે. ભાજપે પોતાના ઉમેદવાર તરીકે છાણીના સતીશ પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપે પોતાના આગેવાનોની આખી ફોજ માંજલપુર વિધાનસભામાં ઉતારી દીધી હતી. વોર્ડ 16, 17, 18 અને 19માં સાંસદ, ધારાસભ્યો, શહેર પ્રમુખ, મહામંત્રીઓ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પદયાત્રા કાઢવામાં આવી હતી. એક જ સમયે તમામ વોર્ડમાં અલગ અલગ આગેવાનો દ્વારા પદયાત્રા કાઢી જનસંપર્ક કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે આ બેઠક ઉપર પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારીને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ દ્વારા પ્રચારના અંતિમ દિવસે માંજલપુર ગામ ખાતે સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા, પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી, માધ્ય ગુજરાતના પ્રભારી સહિતના આગેવાનો જોડાયા હતા. માંજલપુર બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક માનવામાં આવે છે જો કે આ વખતે ભાજપનો ઉમેદવાર આયાતી હોવાના કારણે કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવવાના મૂડમાં છે.

30 જુલાઈના રોજ માંજલપુર બેઠક ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો કે આ વખતે હવામાન વિભાગ દ્વારા 28 જુલાઈથી 1 ઓગષ્ટ સુધી માધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે જો 30 જુલાઈના રોજ વરસાદ વર્ષે તો મતદારોને મતદાન મથક સુધી લાવવા અને વધુ ને વધુ મતદાન કરાવવું એ બંને પક્ષ માટે પડકારજનક હશે. વહીવટી તંત્ર પણ હાલમાં પોતાના તમામ પ્રયાસો કરી રહ્યું છે.

Share :

Leave a Comments