કારચાલકે બાઈક સવાર યુવક અને મહિલાને પાછળથી ટક્કર મારતા બંનેની હાલત ગંભીર, કારચાલક ફરાર

આજવા ચોકડી પાસે ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો

MailVadodara.com - Both-a-young-man-and-a-woman-riding-a-motorcycle-are-in-critical-condition-after-being-hit-from-behind-by-a-car

- પ્રાથમિક તપાસમાં કારમાંથી દારૂની ખાલી બોટલ અને પોલીસ લખેલી નેમ પ્લેટ મળી

- ઈજાગ્રસ્ત યુવક અને મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા


વડોદરા શહેરના આજવા ચોકડી પાસે ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર યુવક અને મહિલાને પાછળથી કારે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પ્રાથમિક તપાસમાં કારમાંથી દારૂની ખાલી બોટલ અને પોલીસ લખેલી નેમ પ્લેટ મળી છે. ત્યારે પ્રાથમિક અનુમાન છે કે, આ કાર કોઈ પોલીસ કર્મચારીની હોઈ શકે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કાર ચાલક નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે.


ઘટનાની જાણ થતા 112 પોલીસ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવક અને મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે, કારમાંથી 'પોલીસ' લખેલી નેમ પ્લેટ મળી આવી છે, તો શું આ કાર ખરેખર પોલીસ વિભાગના જ કોઈ કર્મચારીની છે? જો હા, તો તે કર્મચારીનું નામ અને હોદ્દો શું છે?, જો કારનો માલિક પોલીસ કર્મચારી નથી, તો કારમાં પોલીસ લખેલી પ્લેટ કેમ રાખવામાં આવી હતી? શું આ સરકારી રૌફ બતાવવાનો કે ખોટી ઓળખ ઊભી કરવાનો પ્રયાસ હતો? કારમાંથી દારૂની ખાલી બોટલ મળી છે, તો શું પોલીસે તેને વિધિવત મુદ્દામાલ તરીકે સીલ કરી FSL માટે મોકલી આપશે?


આ સાથે સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રાઈવર નશાની હાલતમાં હતો. તો શું આ કેસમાં અકસ્માતની કલમો સાથે પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવશે કે કેસને દબાવશે? ઘટનાસ્થળેથી નાસી છૂટેલા ડ્રાઈવરને પકડવા પોલીસે અત્યાર સુધી શું પગલાં લીધાં? આ કેસમાં પોલીસ શા માટે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધી નથી? જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

Share :

Leave a Comments