- હાલ તળાવને બોરના પાણીથી ભરવામાં આવી રહ્યું છે, તળાવ ખાતે તરાપા, ક્રેઇન, ફ્લડ લાઈટો, તરવૈયાઓ, રસ્તા સહિતની સુવિધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

દેવાધિદેવ મહાદેવની આરાધના કર્યા બાદ ઉત્સવપ્રિય નગરજનોએ વિઘ્નહર્તા ગણેશજીના ઉત્સવને મનાવવાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે તો બીજી બાજુ કોર્પોરેશન દ્વારા અડધા દિવસથી 10 દિવસ સુધી શ્રીજીની સ્થાપના કરી ઉત્સવ મનાવતા નગરજનોને શ્રીજીના વિસર્જન માટે કોઇ મુશ્કેલી ન પડે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાલિકા દ્વારા આ વખતે નવલખી મેદાન ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ સહિત 12 જેટલા તળાવોમાં ગણેશજીના વિસર્જન માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. તમામ તળાવો 31 ઓગસ્ટ સુધી તૈયાર કરી દેવામાં આવશે.

આવતીકાલે તા. 27 ઓગસ્ટથી ગણેશ ઉત્સવની શરૂઆત થઇ રહી છે ત્યારે વડોદરા શહેરમાં અડધા દિવસથી લઈને 10 દિવસ સુધીની ગણપતિ પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે પાલિકા દ્વારા નવલખી મેદાન, હરણી, તરસાલી સહિત વિસ્તારોમાં 12 જેટલા તળાવો ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે.

આ અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જન માટે 12 જેટલા તળાવોની વ્યવસ્થા કરવાનું આયોજન છે. તળાવો ખાતે વ્યવસ્થા આખરી તબક્કામાં છે. આગામી 31 ઓગસ્ટ સુધી તમામ તળાવોને તૈયાર કરી દેવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ હેતલ રૂપાપરા દ્વારા નવલખી મેદાનમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓને સુવિધા રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા સમયસર પૂર્ણ કરવામાં આવશે. તળાવ ખાતે તરાપા, ક્રેઇન, ફ્લડ લાઈટો, તરવૈયાઓ, રસ્તા સહિતની સુવિધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ તળાવને બોરના પાણીથી ભરવામા આવી રહ્યું છે.


