- જશપાલસિંહ પઢિયારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને લખેલા રાજીનામા પત્રમાં પત્રમાં જણાવ્યું છે કે, 2026ની આ ચૂંટણીમાં પક્ષને ખૂબ મોટા માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો છે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રમુખ તરીકે તેઓ પોતે સ્વીકારે છે
વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપે ફરી એકવાર પોતાનો ગઢ સાબિત કર્યો છે. વડોદરા મહાનગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત તમામ સ્તરે ભાજપનો પ્રચંડ વિજય થયો છે. બીજી તરફ, કોંગ્રેસની સ્થિતિ શહેર અને જિલ્લામાં અત્યંત કફોડી બની છે. પક્ષના નબળા દેખાવને પગલે હવે સંગઠનમાં મોટા ફેરફારોની શરૂઆત થઈ છે. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જશપાલસિંહ પઢિયારે હારની નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

સમગ્ર રાજ્યમાં કોંગ્રેસનો દેખાવ નિરાશાજનક રહ્યો છે, પરંતુ વડોદરા જિલ્લામાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી છે. ડભોઈ નગરપાલિકા સિવાય અન્ય નગરપાલિકાઓ અને પંચાયતોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. આ પરિસ્થિતિને જોતા જશપાલસિંહ પઢિયારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામું સોંપ્યું છે. તેમણે પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, 2026ની આ ચૂંટણીમાં પક્ષને ખૂબ મોટા માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો છે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રમુખ તરીકે તેઓ પોતે સ્વીકારે છે.
જશપાલસિંહ પઢિયાર અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેમની ગણના વડોદરા જિલ્લાના પ્રભાવી નેતાઓમાં થાય છે. પક્ષે તેમને જિલ્લાની મહત્વની જવાબદારી સોંપી હતી, પરંતુ પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં સંગઠન જનતાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યું. વડોદરા મનપામાં ભાજપે 76માંથી 69 બેઠકો જીતીને વિપક્ષને હાંસિયામાં ધકેલી દીધો છે. આ હાર બાદ પઢિયારનું રાજીનામું એ સંકેત આપે છે કે હવે કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણી પહેલા નવા ચહેરાઓ અને નવી રણનીતિ સાથે સંગઠનનું પુનર્ગઠન કરવા તરફ આગળ વધશે.


