- વર્ષ 2020 સુધીમાં વડોદરા કોર્પોરેશન દ્વારા 27 તળાવો સુંદર કરવામાં આવ્યા હતા, એ પછી વર્ષ 2020થી 2025 સુધીમાં પાંચ તળાવોની કામગીરી કરવામાં આવી હતી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 47 તળાવો આવેલા છે. જેમાંથી હાલના તબક્કે બાકી રહેલા 11 તળાવોને સુંદર બનાવવાની કામગીરી સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી નજીકના ભવિષ્યમાં કરવાનું આયોજન હાથ ધરાશે. વર્ષ 2020 સુધીમાં કોર્પોરેશન દ્વારા 27 તળાવો સુંદર કરવામાં આવ્યા હતા, એ પછી વર્ષ 2020 થી 2025 સુધીમાં પાંચ તળાવોની કામગીરી કરી હતી. જેમાં 20.69 કરોડના ખર્ચે મકરપુરા, વેમાલી, વાંસ, કપુરાઈ અને રામનાથ તળાવની કામગીરીનો સમાવેશ થાય છે. ભાયલી તળાવને સુંદર કરવાનું ટેન્ડર 3.56 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલું છે.
હવે વડસર, મસિયા અને બીલ ગામના તળાવની કામગીરી 30 કરોડના ખર્ચે આયોજન હેઠળ મૂકવામાં આવી છે. આ ઉપરાંત સમા, હરણી અને ગોત્રી તળાવમાં નાગરિકોને મનોરંજન પ્રવૃત્તિ માટે ફુવારા મૂકવામાં આવ્યા છે. ગયા ચોમાસા દરમિયાન ઉંડેરા તળાવ ઓવરફ્લો થયું હતું, જેના કારણે મુશ્કેલી સર્જાઇ હતી. આવું ન થાય તે માટે ઊંડેરાથી લક્ષ્મીપુરા સુધી 15.44 કરોડના ખર્ચે ચેનલ બનાવવાની કામગીરી મંજૂર કરવામાં આવી છે. જેનું કામ ટૂંક સમયમાં ચાલુ થશે અટલાદરા તળાવના 3×3 મીટરની આઉટલેટ ચેનલની કામગીરી કરવામાં આવનાર છે. જે ખિસકોલી સર્કલથી નીકળીને વિશ્વામિત્રી નદીમાં જશે અને ત્યાં પાણી ખાલી થશે. કોર્પોરેશન દ્વારા આજવા સરોવરના ઓવરફ્લો પાણીના સંગ્રહ માટે દેણા ખાતે બફર લેક ઊભું કર્યું છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળની જે કામગીરી તાજેતરમાં કરવામાં આવી, તેમાં શહેરના ઘણા તળાવો ઊંડા કરવાની કામગીરી કરી હતી. જેમાં રામનાથ, વાંસ અને છાણી તળાવનો સમાવેશ થાય છે. તળાવો ખાતે વોકવે, યોગા સેન્ટર, ગઝેબો બનાવવાની સાથે સાથે મ્યુઝિક સિસ્ટમ પણ મૂકવાનું આયોજન હાથ ધરાયું છે.


