- 38 બ્રિજો અને કલ્વર્ટ્સ માટે મેઇન્ટેનન્સ કાર્યનો અંદાજ તૈયાર કરાયો
- બાલભવન રિવર ઓવર બ્રિજ, પ્રતાપનગર રેલ્વે ઓવર બ્રિજ અને શાસ્ત્રી રેલ્વે ઓવર બ્રિજનો સમાવેશ
વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ બ્રિજોનું વ્યાપક સર્વે કરવામાં આવ્યું હતું. આ સર્વેમાં 38 બ્રિજોને સમારકામની જરૂરિયાત જણાઈ હતી, જેના માટે કોર્પોરેશન દ્વારા રૂપિયા 21 કરોડથી વધુના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે.
વડોદરા મહાનગર પાલિકાના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં આવેલા રેલ્વે ઓવર બ્રિજ, રિવર ઓવર બ્રિજ અને ફ્લાય ઓવર બ્રિજોના સેફ્ટી ઓડિટ માટે પ્રી-મોન્સુન અને પોસ્ટ-મોન્સુન તપાસ કરાવવામાં આવે છે. સલાહકારોની સુચનાઓના આધારે 38 બ્રિજો અને કલ્વર્ટ્સ માટે મેઇન્ટેનન્સ કાર્યનો અંદાજ તૈયાર કરાયો હતો, જેની કુલ કિંમત રૂપિયા 21 કરોડ છે.

આ કામગીરી માટે ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ કોઈ ઇજારદારે ભાવ ન આપતાં હવે 67(3)સી હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈ 2025ના રોજ પાદરા-જંબુસરથી આણંદ તરફ જતા મહીસાગર નદી પરના મુજપુર ગંભીરા બ્રિજમાં દુર્ઘટના બની હતી.
આ ઘટના બાદ સરકારે તમામ બ્રિજોનું ઉચ્ચ સ્તરીય તપાસ કરી જરૂરી મરામત તાત્કાલિક કરવાના આદેશ આપ્યા હતા. આના પગલે વડોદરા કોર્પોરેશને તાત્કાલિક ધોરણે મુખ્ય બ્રિજો પર કામગીરી શરૂ કરી છે, જેમાં આરાધના રિવર ઓવર બ્રિજ, કાસમઆલા રિવર ઓવર બ્રિજ, મુંજમહુડા રિવર ઓવર બ્રિજ, વડસર લેન્ડફિલ રિવર ઓવર બ્રિજ, બાલભવન રિવર ઓવર બ્રિજ, પ્રતાપનગર રેલ્વે ઓવર બ્રિજ અને શાસ્ત્રી રેલ્વે ઓવર બ્રિજનો સમાવેશ થાય છે.
આ કામગીરી દરમિયાન વિશ્વામિત્રી નદીમાં વસતા જળચર પ્રાણીઓ જેમ કે મગરો, કાચબા અને અન્ય જીવોની સુરક્ષા તેમજ કારીગરો અને માણસોની સલામતીને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ માટે મશીનરી અને લેબરની સંખ્યામાં વધારો કરાયો છે, જેના કારણે અંદાજીત રકમ કરતાં 36 ટકા વધુ ખર્ચ થઈ રહ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કામગીરી સમયસર પૂર્ણ કરીને શહેરની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.


