- બદલામાં ફરિયાદીએ વર્ષ 2018થી ઓક્ટોબર 2025 સુધીમાં ઓનલાઇન તેમજ રોકડા મળી આશરે કુલ 34 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા છતાં વધુ નાણાંની માંગણી કરાતી હતી
વડોદરા શહેરમાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે, જેના ભાગરૂપે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને મોટી સફળતા મેળવી છે. ઊંચા વ્યાજે નાણાં ધીરીને ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે પોલીસે ગુનો નોંધી એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને તેના એક દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ફરિયાદીએ વર્ષ 2018થી 2022 દરમિયાન અનિતાબેન શર્મા અને રાકેશ શર્મા નામના ઇસમો પાસેથી કટકે-કટકે 6 લાખ રૂપિયા 10 ટકાના ઊંચા વ્યાજે લીધા હતા. આ નાણાંના બદલામાં ફરિયાદીએ વર્ષ 2018થી ઓક્ટોબર 2025 સુધીમાં ઓનલાઇન તેમજ રોકડા મળીને આશરે કુલ 34 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા.
આટલી માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપી અનિતાબેન શર્મા દ્વારા વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. ફરિયાદી વધુ વ્યાજ ન ચૂકવે તો અન્ય આરોપીઓ રાકેશ શર્મા, ઉસ્માનભાઈ મેમણ અને સમીરભાઈ મન્સૂરી અવારનવાર ફરિયાદીના ઘરે જઈ ગાળો આપતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી નાણાં કઢાવતા હતા.
આ ઉપરાંત, આરોપી રાકેશ શર્માએ ફરિયાદીના પતિને ધમકાવીને એક બાંહેધરી પત્રક તેમજ યુનિયન બેંકનો ચેક પણ પડાવી લીધો હતો. આ સમગ્ર મામલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે રાકેશ ઉર્ફે પપ્પુભાઇ મનોજભાઇ શર્મા (રહે. સી/504, રોયલ નંદિશ, અલંગ હાઉસ પાછળ, પાણીની ટાંકી પાસે, ગોત્રી રોડ, વડોદરા)ની ધરપકડ કરી છે.
ઝડપાયેલા આરોપી રાકેશ શર્માના કોર્ટમાંથી 1 દિવસના રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓ (1) અનિતાબેન મનોજભાઈ શર્મા, (2) ઉસ્માનભાઈ મેમણ અને (3) સમીરભાઈ મન્સૂરીને પકડી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.


