- તહેવારોના દિવસો નજીક આવી રહ્યા હોઈ વડોદરા મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ, 10 શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂના લેવાયા
વડોદરા શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરો અને ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ-અલગ ટીમો બનાવીને શહેરમાં વ્યાપક અને કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખોરાક શાખાની ટીમે અલગ અલગ 7 સ્થળોએ ચેકીંગ હાથ ધર્યું હતું. ટીમને કેટલાક નમૂનાઓ શંકાસ્પદ લાગતા તેને ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ખોરાક શાખા દ્વારા સમયાંતરે વિવિધ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવે છે. ખોરાક શાખાની ટીમે ચોક્કસ બાતમીના આધારે હરણી રોડ પર શ્રીજી માર્કેટમાં આવેલી માં આશાપુરા પ્રોટીન્સ નામની પેઢી પર લુઝ ખાદ્ય તેલના સંદર્ભે ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન આ ફૂડ બિઝનેસ ઓપરેટર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ સેન્ટ્રલ ઓથોરિટીનું લાઇસન્સ ધરાવતા હોવાનું સામે આવ્યું હતું, જેને આધારે આગળની વિવિધ કાયદેસરની તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ ઝુંબેશ અંતર્ગત ટીમો દ્વારા વડોદરાના અકોટા, વારસિયા, ગોરવા અને સરદાર એસ્ટેટ જેવા મુખ્ય વિસ્તારોમાં ધમધમતા એકમો પર સપાટો બોલાવવામાં આવ્યો હતો. આ વિસ્તારોમાં આવેલી 1 ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ અને 6 ઉત્પાદક પેઢીઓ મળીને કુલ 7 જેટલા ખાદ્યપદાર્થો સાથે જોડાયેલા મોટા યુનિટો પર ઝીણવટભર્યું ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન ગુણવત્તા ચકાસણી અર્થે મરચા પાવડર, રતલામી સેવ અને 8 રીફાઇન્ડ પામોલીન ઓઇલના નમૂના સહિત કુલ 10 શંકાસ્પદ ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓને સત્તાવાર પૃથ્થકરણ અને લેબોરેટરી પરીક્ષણ માટે ત્વરિત ધોરણે ફતેગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન અલગ-અલગ ઉત્પાદક પેઢીઓમાંથી બિનઆરોગ્યપ્રદ હોવાની આશંકા ધરાવતો રીફાઇન્ડ પામોલીન ઓઇલનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી દરમિયાન ફૂડ વિભાગે કુલ 967 કિલોગ્રામ શંકાસ્પદ પામોલીન ઓઇલ સીઝ કર્યું હતું, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 1,53,462 જેટલી થાય છે. વિસ્તારવાર વિગતો તપાસીએ તો, વારસિયામાં આવેલા બે અલગ-અલગ ઉત્પાદક એકમોમાંથી અનુક્રમે 88.400 કિલોગ્રામ કિંમત રૂ. 13967 અને 58.400 કિલોગ્રામ કિંમત રૂ. 9148 જથ્થો સીઝ કરાયો હતો. આ જ રીતે ગોરવા વિસ્તારના એકમમાંથી રૂપિયા 18589 ની કિંમતનો 118.400 કિલો પામોલીન ઓઇલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી બે ઉત્પાદક પેઢીઓમાં પણ સઘન તપાસ કરવામાં આવી હતી. આ પૈકી એક એકમમાંથી રતલામી સેવ અને રીફાઇન્ડ પામોલીન ઓઇલના નમૂના લેવાની સાથે રૂપિયા 43570 ની કિંમતનો 268.400 કિલોગ્રામ શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કરાયો હતો. જ્યારે અન્ય બીજા એકમમાંથી મરચા પાવડર અને રીફાઇન્ડ પામોલીન ઓઇલના નમૂના મેળવીને રૂપિયા 68188 ની કિંમત ધરાવતો 433.400 કિલોગ્રામ પામોલીન ઓઇલનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તહેવારોના દિવસો નજીક આવી રહ્યા હોઈ વડોદરા મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


