વડોદરા નજીક જીએસએફસી બ્રિજ પરથી અકસ્માતે નીચે પડી જતાં એક 45 વર્ષીય આધેડનું કરુણ મોત

રણોલી ગામે રહેતા ભરતભાઇ માળી બહેનને નવાપુરા મુકી ઘરે પરત ફરતા ઘરે જતા હતા

MailVadodara.com - A-45-year-old-man-met-a-tragic-death-after-accidentally-falling-from-the-GSFC-bridge-near-Vadodara

- પરિવારે કહ્યું- 'અકસ્માતનું સાચું કારણ બહાર લાવો, ન્યાય આપો'

- હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, આ મામલે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરા નજીક જી.એસ.એફ.સી. બ્રિજ પરથી અકસ્માતે નીચે પડી જતાં એક 45 વર્ષીય આધેડનું કરુણ મોત થયું છે. અકસ્માત બાદ બેભાન અવસ્થામાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલા આધેડને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


વડોદરાના રણોલી ગામના બારોટ ફળિયામાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ માળી (ઉંમર વર્ષ 45) એક્ટિવા લઈને ગત રાત્રિના આશરે 11 વાગ્યાની આસપાસ વડોદરાના નવાપુરા વિસ્તારથી રણોલી ખાતે જઈ રહ્યા હતા. તેઓએ GSFC બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બ્રિજની નીચે પડી ગયા હતા. બ્રિજ પરથી પટકાવવાના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને છાણી ખાતે આવેલી 'શ્રીજી હોસ્પિટલ' માં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતાની સાથે જ રાત્રે 1153 વાગ્યે ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. છાણી પોલીસ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.

મૃતકના પુત્ર સાહિલ માળીએ જણાવ્યું હતું કે, મારા પપ્પા રણોલીથી મારા ફોઈને મૂકવા માટે નવાપુરા ગયા હતા. નવાપુરા તેમને મૂકીને તેઓ પરત રનોલી આવી રહ્યા હતા. જ્યારે તેઓ પરત આવી રહ્યા હતા, ત્યારે GSFC પાસે જે બ્રિજ આવેલો છે, ત્યાં આગળથી તેઓ બ્રિજ પરથી નીચે પડેલી હાલતમાં મળી આવ્યા હતા. અમને 108 એમ્બ્યુલન્સ મારફતે ફોન આવ્યો હતો. જેથી અમે લોકો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે 108 એમ્બ્યુલન્સના સ્ટાફે અમને એક્ટિવાની ચાવી અને પપ્પાનો મોબાઈલ આપ્યો હતો. તેમનો મોબાઈલ એકદમ સાજો હતો. પરંતુ મારા પપ્પાના હાથમાં સોનાનું લક્કી હતું, ગળામાં ચેઈન હતી, હાથમાં વીંટી હતી અને તેમનું પાકીટ પણ હતું. આ બધી વસ્તુઓમાંથી અમને કંઈ જ મળ્યું નથી. અમને અત્યારે કંઈ જ ખબર નથી પડી રહી કે, આ લૂંટનો બનાવ છે કે અકસ્માત. અમારી બસ એટલી જ માંગ છે કે આ જે પણ ઘટના બની છે તેની પાછળનું સાચું કારણ બહાર આવે, આખો ભેદ ઉકેલાય અને અમને ન્યાય મળે.

Share :

Leave a Comments