- બંને એજન્સી દ્વારા પ્રથમ ફેઝની કામગીરી સો ટકા પૂર્ણ કરવામાં આવી હોવાનો દાવો કરાયો
વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત બીજા તબક્કામાં સિંચાઇ વિભાગ દ્વારા આજવા સરોવરના હેઠવાસમા રૂપિયા 80 કરોડના ખર્ચે અત્યાધુનિક 25 દરવાજાવાળુ બેરેજ બનાવવામાં આવશે. આ કામગીરી માટે મંગાવવામાં આવેલા ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતાં મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવ્યું છે. સરકારમાંથી મંજૂરી આવ્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આવેલા પૂર બાદ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વડોદરા કોર્પોરેશન દ્વારા 24 કિલોમીટર અને સિંચાઇ વિભાગ દ્વારા 25 કિલોમીટર કામગીરી કરવાની હતી. બંને એજન્સી દ્વારા પ્રથમ ફેઝની કામગીરી સો ટકા પૂર્ણ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશન પ્રોજેક્ટ અંગે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર રાહુલ ચૌહાણે જણાવ્યું કે, વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત લાંબાગાળાની કામગીરીનાં ભાગરૂપેની કરવાની થતી કામગીરી અંતર્ગત રૂપિયા 80 કરોડના ખર્ચે આજવા બેરેજ બનાવવાની કામગીરીનું ટેન્ડર ખોલવામાં આવ્યું છે. જે મંજુરી પ્રક્રિયા હેઠળ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી ડિસિલ્ટિંગ દરમિયાન નીકળેલ માટીનો જથ્થો આશરે 10,42,150 ઘનમીટર છે અને વિશ્વામિત્રી નદીમાંથી નીકળેલ માટી વડોદરા, કરજણ અને પાદરાના ગ્રામ પંચાયતોને તેઓની માંગણી મુજબ અલગ-અલગ જગ્યાઓ પર નાખી આપવામા આવી છે અને વધુમાં વિશ્વામિત્રી નદીની અંદર મગરનાં દરો જેવી જગ્યાઓ વન વિભાગ તેમજ વોલેન્ટીયરના માર્ગદર્શન હેઠળ જળચર જીવનું ધ્યાન રાખીને છોડવામાં આવ્યા છે. ગુજરાત રાજય માનવ અધિકાર આયોગની નીમાયેલી કમીટી દ્વારા વિશ્વામિત્રી નદીની સમયાંતરે સ્થળ મુલાકાત કરી તેમના માર્ગદર્શન હેઠળ કામગીરી પૂર્ણ કરવામા આવી છે.
વિશ્વામિત્રી નદીને મળતી કાંસોની સફાઈની કામગીરી બીલ-ચાપડ, વરણામા-ઢાઢર, વડસલા-ઇટોલા, હંસાપુરા-પાતરવેણી, રૂપારેલ કાંસ એમ મળી કુલ 14 કિ.મીની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને જાંબુવા કોતર જેમાં કુલ 25 કિ.મીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ટુંકાગાળાનાં ભાગરૂપે વિશ્વામિત્રી નદી પર આવેલાં કુલ 6 ચેકડેમોની કામગીરી રૂપિયા 84 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે તેમજ પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા કુલ 8 ચેકડેમોની કામગીરી રૂપિયા 118.17 લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવી છે.
ખલીપુર અને કારલી પાસે વિશ્વામિત્રી નદીમાં આપેલ સેકશન કરતા વધારે પહોળા સેકશન કરવાની કામગીરી કરવામાં આવી છે. મારેઠાથી પિંગલવાડા સુધી બુલેટ ટ્રેન દ્વારા વિવિધ 7 જગ્યાએ ડાયવર્ઝન કરીને વિશ્વામિત્રી નદી ક્રોસીંગ કરેલ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનાં દ્વારા આ દબાણો દુર કરવામા આવેલ છે.


