14 સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં બે નરાધમોને 20 વર્ષની સખત કેદ

મે 2025માં આરોપી ગોવિંદે સગીરાને મોબાઈલ ફોન આપી પ્રેમજાળમાં ફસાવી હતી

MailVadodara.com - Two-men-sentenced-to-20-years-in-prison-for-kidnapping-raping-and-enslaving-14-minors

- આરોપીઓ પોતે પરિણીત અને સંતાનવાળા હોવા છતાં સગીરાનું જીવન બરબાદ કર્યું, બંને આરોપીને 23 હજારનો દંડ, ભોગ બનનાર સગીરાને 6 લાખ વળતર ચૂકવવા આદેશ

- સગીરાને ગોધરા બોલાવી ગોવિંદ-આદમે અપહરણ કરી અલગ-અલગ સ્થળોએ ગોંધી રાખી હતી, આ દરમિયાન આરોપી ગોવિંદે સગીરાની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું

વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં બે નરાધમોને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી, પીડિતાને 6 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

સ્પેશિયલ જજ પ્રિયંકા અગ્રવાલે આ ગુનાને સમાજ માટે કલંક સમાન ગણાવી મુખ્ય આરોપી મંગુભાઇ ઉર્ફે ગોવિંદ નીસરતા અને તેને મદદ કરનાર અજમભાઇ ઉર્ફે આદમ નીસરતાને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

મંગુભાઈ ઉર્ફે ગોવિંદ નીસરતા (ડાબે)            અજમભાઈ ઉર્ફે આદમ નીસરતા. (જમણે)

મે 2025માં આરોપી ગોવિંદે સગીરાને મોબાઈલ ફોન આપી લલચાવી-ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીઓએ સગીરાને ગોધરા બોલાવી હતી. ત્યાંથી ગોવિંદ અને આદમે તેનું અપહરણ કર્યું હતું અને અલગ-અલગ સ્થળોએ ગોંધી રાખી હતી. આ સમયગાળા દરમિયાન આરોપી ગોવિંદે સગીરાની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.

આ મામલે હરણી પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલ એચ.આર.જોશીએ દલીલ કરી હતી કે, આરોપીઓ પોતે પરણિત અને સંતાનવાળા હોવા છતાં એક માસૂમ બાળકીનું જીવન બરબાદ કર્યું છે, તેથી તેમને કડકમાં કડક સજા થવી જોઈએ.

તબીબી પુરાવા અને સગીરાના નિવેદનને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને બંનેને રૂ. 23,000નો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદ ભોગવવી પડશે. કોર્ટે ભોગ બનનાર સગીરાના પુનઃવસન માટે 'ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ' હેઠળ 6 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.

Share :

Leave a Comments