- રીક્ષાચાલકે લોહી લુહાણ હાલતમાં સિમરન કુવર માંહેરાકુવર કિન્નરને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા
- પોલીસે CCTV આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી
વડોદરા શહેરના ફતેપુરામાં આવેલા કાલુપુરા વિસ્તારમાં રહેતા વ્યંઢળ કામ અર્થે સવારે નવાપુરા વિસ્તારમાં રિક્ષામાં બેસીને પસાર થતા હતા. ત્યારે અચાનક બાઇક પર આવેલા કેટલાક શખ્સોએ ચાકુ વડે હુમલો કરી ફરાર થઈ જતાં ઇજાગ્રસ્ત કિન્નરને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના કાલુપુરા ફતેપુરા શિવાજી હોલ પાસે રહેતા સિમરન કુવર માંહેરાકુવર કિન્નર આજે સવારે શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલી રાજરત્ન સોસાયટી રોડ પરથી રિક્ષામાં બેસીને પસાર થતા હતા. દરમિયાન અજાણ્યા ઈસમો બાઈક પર આવી ચાકુ વડે ફરિયાદી પર હુમલો કરતા ડાબા પગના ઢીંચણ ઉપરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે રીક્ષાચાલકે તાત્કાલિક કિન્નરને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી.
આ મામલે કિન્નરે હુમલો કરનાર બે ઈસમો સામે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઈસમો દ્વારા માટે તેઓના ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ ઘાતક હુમલાથી તેઓના પગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ મામલે નવાપુરા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નવાપુરા પોલીસ મથકના પીઆઇ બી.એમ.પરમારે જણાવ્યું હતું કે, હાલમાં આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જે ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે તેઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી તપાસવામાં આવી રહ્યા છે.


