વડોદરા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મકરપુરા રોડ સ્થિત આકાશવાણી વડોદરા કેન્દ્ર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેચર લવર ફાઉન્ડેશનના સ્થાપક તથા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં મેનેજર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર કારીયા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

જીતેન્દ્ર કારીયાના વરદ હસ્તે આકાશવાણી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આકાશવાણી વડોદરાના સ્ટેશન પ્રમુખ અને કાર્યક્રમ અધ્યક્ષ જગદીશ પરમાર, સહાયક નિયામક (કાર્યક્રમ), અભિયાંત્રિકી વિભાગના વડા રેજિથકુમાર પી.એમ., સહાયક અભિયંતા તેમજ કેન્દ્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી ખાતે ધ્વનિમુદ્રણ માટે વલસાડથી પધારેલા જાણીતા વાર્તાકાર શ્રી અરવિંદભાઈ પટેલ અને શ્રી રાજેશભાઈ દ્વારા પણ આકાશવાણીના પ્રાંગણમાં વિશિષ્ટ મિયાઝાકી આંબાની કલમનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્ટેશન પ્રમુખ જગદીશ પરમારે ઉપસ્થિત મહેમાનો અને કર્મચારીઓને પર્યાવરણ સંરક્ષણ માટે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની પ્રેરણા આપી હતી.

વિશેષ અતિથિ જીતેન્દ્ર કારીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દિવસેને દિવસે વધતા તાપમાન અને પર્યાવરણીય પડકારોને ધ્યાનમાં રાખીને માત્ર પંખા અને એર કન્ડિશનર પર આધાર રાખવાને બદલે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું સંરક્ષણ કરવા માટે સૌએ સંકલ્પબદ્ધ બનવું જોઈએ. તેમણે આ સુંદર આયોજન બદલ આકાશવાણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.


