- આરોપીએ વેપારી પાસેથી ડેબિટ કાર્ડની વિગતો અને ઓટીપી મેળવી અલગ-અલગ ટ્રાન્જેક્શન મારફતે રકમ ઉપાડી હતી, આ ઉપરાંત વેપારીની જાણ બહાર બે એફડી પણ તોડી નાખી હતી
વડોદરામાં ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને ટીમ્બર વુડના વેપારીને વિશ્વાસમાં લઈ સાયબર ઠગે રૂ.18.87 લાખની છેતરપિંડી આચરી હતી. આરોપીએ વેપારી પાસેથી ડેબિટ કાર્ડની વિગતો અને ઓટીપી મેળવી અલગ-અલગ ટ્રાન્જેક્શન મારફતે રકમ ઉપાડી લીધી હતી. આ ઉપરાંત વેપારીની જાણ બહાર બે એફડી પણ તોડી નાખવામાં આવી હતી. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી પાટીદાર પાર્ક સોસાયટીમાં રહેતા અને ટીમ્બર વુડનો વ્યવસાય કરતા પથિક કિશોરભાઈ પટેલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા.31 જુલાઈ, 2026ના રોજ તેમના મોબાઇલ પર એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે એક્સિસ બેંકનો કર્મચારી સીતારામ સૈની હોવાનું જણાવી પથિક પટેલના ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની વાત કરી હતી. ત્યારબાદ આરોપીએ પથિક પટેલને વોટ્સએપ પર એક લિંક મોકલી હતી અને તેના પર ક્લિક કરીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવ્યું હતું. થોડા સમય બાદ તેમના વોટ્સએપ પર રૂ.4,500ની કેશબેક ઓફર મળવાની વાત કરતો મેસેજ આવ્યો હતો. મેસેજમાં આવેલી લિંક ખોલતાં એક્સિસ બેંક જેવું દેખાતું પેજ ખુલ્યું હતું. પથિક પટેલે તેમાં ક્રેડિટ કાર્ડના વિકલ્પ પર જઈને યસ લખ્યું હતું.
બીજા દિવસે, તા.1 ઓગસ્ટના રોજ સવારે ફરી સીતારામ સૈનીના નામે ફોન આવ્યો હતો. ફોન કરનારે ક્રેડિટ કાર્ડની લિમિટ કેટલી વધારવી છે તેવું પૂછતાં પથિક પટેલે રૂ.2 લાખ સુધીની લિમિટ રાખવા જણાવ્યું હતું. ત્યારબાદ આરોપીએ વેરિફિકેશનના બહાને તેમના ડેબિટ કાર્ડની વિગતો માંગી હતી. પથિક પટેલે વિશ્વાસમાં આવી ડેબિટ કાર્ડની વિગતો આપી હતી. એટલું જ નહીં, તેમના મોબાઇલ પર વેરિફિકેશન માટે આવેલા ઓટીપી પણ આરોપીને આપી દીધા હતા.
આ વિગતો અને ઓટીપી મેળવી લીધા બાદ આરોપીએ તા.1 ઓગસ્ટથી તા.6 ઓગસ્ટ, 2026 દરમિયાન પથિક પટેલના બેંક ખાતામાંથી તેમની જાણ બહાર અલગ-અલગ ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂ.18,87,513 ઉપાડી લીધા હતા. આ ઉપરાંત તેમની જાણ બહાર બે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પણ તોડી નાખવામાં આવી હતી.
બેંક ખાતામાંથી મોટી રકમ ઉપડી ગયાની જાણ થતાં પથિક પટેલે સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ઓળખ અને ધરપકડ સહિતની કાર્યવાહી માટે વધુ તપાસ હાથ ધરી છે.


