શહેરને વિશ્વામિત્રી નદીના સંભવિત પૂરથી બચાવવા આજવા સરોવરનું પાણી 6 પંપથી ખાલી કરવાનું શરૂ

ગત વર્ષે આવેલા વિનાશક પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા મરણીયા પ્રયાસ શરૂ

MailVadodara.com - To-save-the-city-from-possible-flooding-of-the-Vishwamitri-River-water-from-Ajwa-Sarovar-has-been-started-being-emptied-using-6-pumps

- વડોદરા કોર્પોરેશને આજવા સરોવર ખાતે કુલ 14 પંપ મૂક્યા, જેમાંથી 6 પંપ આજથી કાર્યરત કરાયા, આ પ્રક્રિયા હેઠળ દર કલાકે 16,800 ક્યુબિક મીટર પાણી સૂર્યા નદીમાં ઠાલવાશે

- વિધિવત રીતે પૂજા કરી આજવા સરોવરમાંથી પાણી છોડ્યું, સરોવરના પાણીનું સ્તર 3 ફૂટ ઘટશે

ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે કોર્પોરેશન દ્વારા મરણીયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત આજવા સરોવરનું પાણી 6 પંપ દ્વારા ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કુલ 14 પંપ મૂકવામાં આવ્યા છે.


ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે સર્જાયેલી સ્થિતિથી બોધપાઠ લઈને પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓએ ચાલુ વર્ષે વરસાદ પહેલાં જ અગમચેતી પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. આજે આજવા સરવોર ખાતે મેયર પિન્કીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુ, સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી સહિત પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓએ વિધિવત રીતે પૂજા કર્યા બાદ પંપ શરૂ કરી આજવા સરોવરમાંથી પાણી છોડ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિશ્વામિત્રી નદીમાં પૂરની સંભવિત પરિસ્થિતિને ટાળવા માટે વડોદરા કોર્પોરેશને આજવા સરોવર ખાતે કુલ 14 પંપ મૂકવામાં આવ્યા છે. જેમાંથી 6 પંપ આજથી કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ શક્તિશાળી પંપ દ્વારા આજવા સરોવરનું પાણી સૂર્યા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલમાં આજવા સરોવરની સપાટી 211 ફૂટ છે, જેને ઘટાડીને 208 ફૂટ સુધી લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા સતત 3 દિવસ સુધી ચાલુ રહેશે. જેનાથી સરોવરના પાણીનું સ્તર 3 ફૂટ જેટલું ઘટશે. ઉલ્લેખનીય છે કે, આજવા સરોવરની ભયજનક સપાટી 214 ફૂટ છે. ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે આજવા સરોવર અને વિશ્વામિત્રી નદી બંને છલોછલ ભરાઈ જતા શહેરમાં ભયાનક પૂર આવ્યું હતું. આ પૂરને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું હતું અને વ્યાપક નુકસાન થયું હતું. આ વર્ષે પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે પાલિકા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.


સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આજથી શરૂ કરાયેલી આ પ્રક્રિયા હેઠળ દર કલાકે 16,800 ક્યુબિક મીટર પાણી સૂર્યા નદીમાં ઠાલવવાની શરૂઆત કરવામાં આવી આવી છે. આ પાણી ખાલી કરવાની કામગીરીના કારણે આગામી ભારે વરસાદની પરિસ્થિતિમાં આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર નિયંત્રિત રાખી શકાય તેવી આશા રાખવામાં આવી રહી છે.

મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, આ પગલાંથી શહેરને પૂરના પ્રકોપથી બચાવી શકાય તેવી પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત પણ પાલિકા દ્વારા શહેરના લોકોને વિશ્વામિત્રી નદીમાં પૂરથી બચાવવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે.

Share :

Leave a Comments