- પશુ-પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરાયા, ઉપરાંત ગરમીમાં ઠંડક મળી રહે તેવા ખોરાક આપવાનું શરૂ કરાયું, સમયાંતરે પ્રાણીઓનું ચેકઅપ કરાશે

માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો વધ્યો છે. હાલથી જ ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી ગઈ છે. ગરમીનો પારો વધતાં મનુષ્ય, મૂંગા પશુ પક્ષીઓ ઉપર અસરો વર્તાઈ રહી છે. મનુષ્ય તો ગરમીથી બચવા અથવા તો રાહત માટે સક્ષમ છે, પરંતુ મૂંગા પશુ-પક્ષીઓનું શું? તેઓ મનુષ્ય પર નિર્ભર છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં મૂંગા પશુ-પક્ષીઓ જે શહેરના સયાજીબાગ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય ખાતે છે. તેઓ માટે ઝૂ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી ગરમી વધી છે અને હિટવેવની અનુભૂતિ થઇ રહી છે. સયાજીબાગ ઝૂ વિભાગ દ્વારા હાલમાં વધતી જતી ગરમીમાં રક્ષણ માટે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં સવારે તથા બપોરે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પશુ પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના છાપરા તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ પશુ-પક્ષીઓને ગરમીમાં ઠંડક મળી રહે તેવા ખોરાક આપવામાં આવી રહ્યાં છે.

સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પશુ પંખીઓનું સમયાંતરે ચેકઅપ કરવામાં આવે છે, પરંતુ હાલમાં ગરમીની મોસમમાં પ્રાણીઓના ડોક્ટર્સ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જો વધુ ગરમી પડે તો તેના માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં પાણીના ફૂવારા પશુ પક્ષીઓના પિંજરા પાસે લગાડાશે. પ્રાણીઓને આસપાસ ઠંડુ વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે હજી તો માર્ચ મહિનાનો પ્રારંભ થયો છે ત્યારે ગરમીનો પારો દિન પ્રતિદિન ઝડપભેર ઊંચે જઈ રહ્યો છે ત્યારે બપોરના સમયે રાજમાર્ગો સુમસામ જણાઈ રહ્યા છે. પરિણામે કમાટીબાગના પક્ષીઓ અને પશુઓને ત્રાહિમામ ગરમીથી બચાવવા પક્ષીઘર અને પશુઓના પાંજરા આસપાસ કંતાન બાંધીને ચારે બાજુએથી પાણીનો છંટકાવ કરીને પક્ષીઓ અને પશુઓને ગરમીથી રાહત અને ઠંડક પહોંચાડવાના ઇરાદે પશુ-પક્ષીઓને રાહત આપવાનું શરૂ કરાયું હતું.


