રણાપુર ગામે નર્મદા નદીમાં નહાવા જતા 5 યુવકમાંથી ત્રણ ડૂબ્યા, બે પિતરાઈ ભાઈનાં મોત, એકનો બચાવ

કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં રબારી સમાજના 5 યુવકો નાહવા ગયા હતા

MailVadodara.com - Three-out-of-5-youths-drowned-while-bathing-in-Narmada-river-in-Ranapur-village

- ફાયર વિભાગે બે યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા, બંને દીકરાના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ, મૃતક સાગર રબારી 15 દિવસ પહેલા જ પિતા બન્યો હતો

- બંને યુવકો ડૂબ્યાની જાણ થતા પરિવારજનો અને સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા


વેકેશનમાં પિકનિક સ્પોટ બનેલા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના રણાપુર ગામ નજીક નર્મદા નદીમાં નાહવા ગયેલા 5 યુવકોમાંથી 3 યુવકો ઊંડા પાણી અને તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી 2 યુવકના કરુણ મોત નિપજ્યા હતા. બંને મૃતક પિતરાઈ ભાઈ હતા. જ્યારે એક યુવકને સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ, ગ્રામજનો અને કરજણ ફાયર વિભાગે તાત્કાલિક બચાવ અને શોધખોળ કામગીરી હાથ ધરી હતી. જોકે ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં આક્રંદ ફેલાયો હતો.

મળતી માહિતી મુજબ રબારી સમાજના 5 યુવકો રણાપુર ગામ નજીક આવેલી નર્મદા નદીમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન 3 યુવક નદીના ઊંડા પાણી અને પ્રવાહમાં બે યુવકો અચાનક ગરકાવ થઈ ગયા હતા. એક યુવક અને તો સ્થાનિક લોકોએ બચાવી લીધો હતો પરંતુ બીજા બે યુવક પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી, જેમાં એક યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.


ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરાયેલી શોધખોળ અને રેસ્ક્યુ કામગીરી દરમિયાન ડૂબી ગયેલા બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.

મૃતકોની ઓળખ સાગર પીરાભાઈ રબારી (ઉંમર 25 વર્ષ, હાલ રહે. કરમાલ ગામ, તા. ડભોઇ, જિ.વડોદરા, મૂળ રહે.ધાનેરા, બનાસકાંઠા) અને જયરામ બિજલાજી રબારી (ઉંમર 15 વર્ષ, રહે. કરમાલ ગામ, તા. ડભોઇ, જિ.વડોદરા, મૂળ રહે. ધાનેરા, બનાસકાંઠા) તરીકે થઈ છે. બંનેના મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી અને સમગ્ર રબારી સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. પોલીસે મૃતદેહને કરજણ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે તપાસ શરૂ કરી છે.


નર્મદા નદીમાં બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર કરજણ પંથકને શોકમગ્ન બનાવી દીધો છે. સ્થાનિક લોકો દ્વારા નદી કે જળાશયોમાં નાહવા જતાં સમયે પૂરતી સાવચેતી રાખવા અને ઊંડા પાણીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ERC ફાયર સ્ટેશનના સર સૈનિક કિશનભાઈ કહારે જણાવ્યું હતું કે, ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢીને પોલીસને સોંપ્યો હતો.

મૃતક સાગર રબારી કરમાલ ગામમાં બુટ ચપ્પલની દુકાન ચલાવે છે. તેમના કાકાનો દીકરો જયરામ તેમના ઘરે વેકેશન કરવા માટે આવ્યો હતો. જેથી બંને પિતાએ પિતરાઈ ભાઈઓ, તેમના મિત્રો સાથે નર્મદા નદીમાંમા નાહવા માટે ગયા હતા અને બંને ડૂબી ગયા હતા. સાગર રબારી પરિણીત છે અને 15 દિવસ પહેલા જ સાગરની પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો. સાગરે પોતાનો પુત્રનું મોઢું પણ જોયું નથી અને આ દુનિયાને અલવિદા કરી દીધી છે. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. 

ઉલ્લેખનીય છે કે, રણાપુર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદી છેલ્લા કેટલાક સમયથી પિકનિક સ્પોટ બની ગઈ છે. અનેક લોકો નર્મદા નદીમાં નાહવા માટે આવે છે. યુવાનો મોજ મજા કરવા માટે આવ્યા હતા પરંતુ તેમને મોતની સજા મળી ગઈ, ત્યારે નર્મદા નદીમાં રેતી ખનન સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. રેતી ખનનને કારણે નદીમાં ઊંડા ખાડા પડી જાય છે અને તેમાં યુવાનો ડૂબી જાય છે.

Share :

Leave a Comments