- છાણી ગામના લોકોના દાનથી ચાલતા સ્મશાનના લાકડા અન્યત્ર લઈ જવાની ચાલી રહેલી કાર્યવાહીને કોંગ્રેસના કાઉન્સિલરોએ રોકતા સ્ટેન્ડિંગ કમિટીના ભાજપાના પૂર્વ ચેરમેન સહિત ગામ લોકો અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને બંને જૂથો ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના 31 સ્મશાનો સ્વૈચ્છિક સંસ્થાઓને સંચાલન અને નિભાવણી માટે સોંપવાના ઠરાવ બાદ શરૂ થયેલો વિવાદ શમવાનું નામ લેતો નથી. મોડી રાત્રે છાણી ગામના લોકોના દાનથી ચાલતા સ્મશાનના લાકડા અન્યત્ર લઈ જવાની ચાલી રહેલી કાર્યવાહીને કોંગ્રેસના કાઉન્સિલરોએ રોકતા સ્ટેન્ડિંગ કમિટીના ભાજપાના પૂર્વ ચેરમેન સહિત ગામ લોકો અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને બંને જૂથો ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા. જે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, છાણી ગામમાં આવેલું સ્મશાન વર્ષોથી ગામ લોકોના દાનથી ચાલી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા તેની હદમાં આવતા છાણી ગામ સહિતના 31 સ્મશાનો સ્વૈચ્છિક સંસ્થાઓને સંચાલન અને નિભાવણી માટે સોંપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ કોર્પોરેશન દ્વારા જે સ્મશાનો સ્વૈચ્છિક સંસ્થાઓ ચલાવે છે, તેમને કોર્પોરેશન સાથે એમઓયુ (MoU) કરીને ચલાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, છાણી ગામના સ્મશાનના વહીવટકર્તાઓએ કોર્પોરેશન સાથે MoU કરવાને બદલે મોડી રાત્રે સ્મશાન માટે દાનમાં આવેલા લાકડા અન્યત્ર ખસેડવા માટે કાર્યવાહી કરતા ભાજપા અગ્રણી સતીષ પટેલ સહિત વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કાઉન્સિલરો જહાં દેસાઈ અને હરીશ પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા. કોંગ્રેસના કાઉન્સિલરોએ અન્યત્ર ખસેડાઈ રહેલા લાકડાઓના ટ્રેક્ટરોને રોકતા ભારે ઘર્ષણ થયું હતું અને એક તબક્કે ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા. આ ઘટનાને પગલે છાણી ગામનું સ્મશાન મોડી રાત્રે સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું.

મોડી રાત્રે સર્જાયેલા વિવાદ અંગે છાણી ગામના રહેવાસી અને કોર્પોરેશનની સ્થાયી સમિતિના ભાજપાના પૂર્વ ચેરમેન સતીષ પટેલે જણાવ્યું હતું કે, 'છેલ્લા 50 વર્ષ ઉપરાંતથી છાણી ગામનું સ્મશાન લોકોના દાનથી ચાલી રહ્યું હતું. કોર્પોરેશને ખાનગી સંસ્થાઓને સ્મશાનોનું સંચાલન સોંપતા અમે સ્મશાનમાં પડેલા 3 મણ લાકડાં આસપાસના ગામોના સ્મશાનોને દાનમાં આપવાનો ટ્રસ્ટીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. જે નિર્ણય આધારે અમે લાકડા મોકલવાનું શરૂ કરતાં કોંગ્રેસના કાઉન્સિલરો જહાં દેસાઇ, હરીશ પટેલ, અમી રાવત અને પુષ્પાબેન વાઘેલા આવી પહોંચ્યા હતા અને ખોટા આક્ષેપો મૂકી હોબાળો મચાવ્યો હતો. અમારું છાણી ધર્માદા ટ્રસ્ટ હવે છાણી ગામના સ્મશાનનો વહિવટ કરવા માગતું નથી.' જ્યારે તેમણે કોર્પોરેશનના ખાનગી સંસ્થાઓને સ્મશાનો સોંપવાના નિર્ણય અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

બીજી તરફ, કોંગ્રેસના કાઉન્સિલર અને પાલિકાના ઉપનેતા જહાં દેસાઇએ જણાવ્યું હતું કે, 'શહેરના છાણી ગામનું સ્મશાન સહિત 31 સ્મશાનો ખાનગી સંસ્થાઓને વહીવટ માટે સોંપવામાં આવ્યા છે', ત્યારે છાણી સ્મશાનના ટ્રસ્ટીઓ દ્વારા સ્મશાનમાં પડેલા લાકડા વેચી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ લાકડાં છાણી ગામ લોકોના દાનની રકમના છે. આથી આ લાકડાં સ્મશાનમાં રહેવા જોઇએ.'
છાણી ગામના રહેવાસી અને કોંગ્રેસના કાઉન્સિલર હરીશ પટેલે જણાવ્યું હતું કે, 'છાણી ગામમાં અફવા ફેલાવવામાં આવી હતી કે, સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે જનારને 7 હજાર આપવા પડશે. પરંતુ, કોઈ પણ વ્યક્તિ પાસે એકપણ રૂપિયો લેવામાં આવનાર નથી. છાણી ગામના સ્મશાનને ગામ લોકોના દાનમાં મળેલા લાકડા છે. બીજા ગામના સ્મશાનને આપી શકાય નહીં. હું ગામનો રહેવાસી છું અને કાઉન્સિલર હોવાથી કોર્પોરેશનની માલિકીની વસ્તુઓની દેખરેખ રાખવી જરૂરી છે. સ્મશાનના લાકડા છાણી ધર્માદા ટ્રસ્ટના છે. આ લાકડાં કોર્પોરેશનની સંસ્થાને વેચીને રકમ ધર્માદા ટ્રસ્ટમાં જમા કરવાની વાત કરતાં ભાજપાના સતીષ પટેલે પોતાનો અહમ સંતોષવા લાકડા બીજા ગામને આપી રહ્યા છે. અમે ભાજપાનો સ્મશાનો ખાનગી સંસ્થાઓને સોંપવાનો વિરોધ કર્યો છે.'


