કારેલીબાગ વિસ્તારમાં અંબા માતાના મંદિરમાં ચોરી, મંદિરની બે દાન પેટી લઈ 2 તસ્કર ફરાર

કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ

MailVadodara.com - Theft-in-Amba-Mata-temple-in-Karelibag-area-2-smugglers-abscond-with-two-donation-boxes-of-the-temple

- નવરાત્રિના નવ દિવસ મંદિરમાં જે પણ દાન આવ્યું હતું તે દાનપેટીઓ ખોલવાના હતા એ પહેલા બે પેટીની ચોરી થઇ

- તસ્કરો મંદિરમાં ઘૂસ્યા ને 15 સેકન્ડમાં ચોરી કરીને ભાગી ગયા


વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબા માતાના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. બે તસ્કરો મંદિરમાં ઘૂસ્યા હતા અને દાનપેટી ચોરી કરી ને ફરાર થઈ ગયા હતા. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઇ હતી. અગાઉ પણ આ મંદિરમાં ત્રણ વાર ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે, જેના ચોર હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. કારેલીબાગ પોલીસે હાલ CCTV આધારે આ મામલે તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, નવરાત્રિના નવ દિવસ મંદિરમાં જે પણ દાન આવ્યું હતું તે દાનપેટીઓ ખોલવાના હતા એ પહેલા બે પેટીની ચોરી થઇ છે.


અંબા માતાના મંદિરમાં જ રહેતા એક વ્યક્તિ આજે સવારે દૂધ લેવા ગયા હતા, ત્યારે આ ચોરીની ઘટના બની હતી. તેઓ દૂધ લઇને માત્ર 3 મિનિટમાં પરત ફર્યા હતા. આ દરમિયાન 2 તસ્કર મંદિરમાં ઘૂસ્યા હતા અને ચોરી કરીને ભાગ્યા હતા. એક ચોરને મંદિરમાંથી બહાર નિકળતા તેમણે જોયો હતો. તેઓએ પાછા આવીને મંદિરમાં જોયું તો 2 દાનપેટી ગાયબ હતી, ત્યારબાદ સીસીટીવી ચેક કર્યાં હતા. જેમાં તસ્કરો ચોરી કરતા દેખાયા હતા. જેને પગલે કારેલીબાગ પોલીસને જાણ કરવામાં આવી હતી.


ઘટનાને પગલે કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મંદિરમાં રહેતા લોકોના નિવેદન લઇને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી પણ ચેક કર્યાં અને તેની મદદથી આરોપીઓને ઓળખવાની દિશામાં પણ તપાસ કરી હતી.


મંદિરના મહારાજે કહ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન થયેલા દાનની ચોરી થઈ છે. અમે આજે દાનપેટીઓ ખોલવાના હતા એ પહેલા બે પેટીની ચોરી થઇ છે, જ્યારે એક દાનપેટી બચી ગઇ છે. શુક્રવારી બજાર શરૂ થઇ ત્યારથી મંદિરમાં ચોરીઓ થઇ રહી છે. અગાઉ 3 વખત ચોરી થઈ હતી. જેમાં ચાંદીનો મુદ્દામાલની ચોરી થયો હતો. અગાઉ થયેલી ચોરીઓના આરોપીઓ હજી પકડાયા નથી.

Share :

Leave a Comments