નંદેસરી પાસેનો મીની નદી પરનો 51 વર્ષ જૂનો જર્જરીત બ્રિજ તમામ વાહનો માટે બંધ કરાયો

વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું, બ્રિજ પરથી રોજ 20 હજાર લોકો પસાર થાય છે

MailVadodara.com - The-51-year-old-dilapidated-bridge-over-the-Mini-River-near-Nandesari-has-been-closed-to-all-vehicles

- બ્રિજની બંને બાજુ પતરાની આડસો ઊભી કરી બંધ કરાયો, વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પાડ્યું, અગાઉ લાઇટ વેઇટ વાહનોની અવર-જવરને મંજૂરી આપી હતી


ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા બાદ વડોદરાના નંદસેરી પાસે આવેલો મીની નદી પરનો 51 વર્ષ જૂના જર્જરીત બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને તેના માટે વૈકલ્પિક રસ્તો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના માટે વડોદરા શહેર પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડ્યું છે.

ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અનેક બ્રિજોની ચકાસણી દરમિયાન બે ઔદ્યોગિક વસાહતોને જોડતા મિની નદી પરનો નંદેસરી બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરી દઇ બ્રિજની બંને બાજુ પતરાની આડસો ઊભી કરી દેવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને મિની નદી પરનો આ બ્રિજ બંધ કરી દેવાની જાહેરાત કરી હતી.


આ બ્રિજ પરથી રોજના 20 હજાર જેટલા લોકો પસાર થાય છે. આ બ્રિજમાં એટલી હદે જર્જરીત છે કે, આખા બ્રિજના સળીયા પણ દેખાઈ રહ્યા છે. રોજના હજારો વાહન અહીંથી પસાર થતા હતા અને તેમના જીવ જોખમમાં હતા. જેથી આ બ્રિજને હવે બંધ કરવામાં આવ્યો છે.

કાર્યપાલક ઈજનેર, જી.આઈ.ડી.સી., વડોદરા શહેરના પત્ર મુજબ નંદેસરી ઔદ્યોગિક વસાહત અને પીસીસી ઔદ્યોગિક વસાહતને જોડતો મીની નદી પર આવેલો બ્રિજ જે 51 વર્ષ જૂનો છે, તેનો લોડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેના તારણ મુજબ, બ્રિજ પર ફક્ત લાઇટ વેઇટ વાહનોની અવર-જવરને મંજૂરી આપવામાં આવી હતી. હાલની સ્થળ સ્થિતિ જોતાં બ્રિજની હાલત ગંભીર હોવાથી સક્ષમ કક્ષાએથી મળેલી સૂચના અનુસાર, આજથી લાઇટ વેઇટ વાહનોની અવર-જવર પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


બ્રિજ બંધ થતા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં રણોલી રેલવે ઓવરબ્રિજ નીચેથી રણોલી રેલવે ફાટક થઇ પદમલા બ્રિજ નીચેથી નેશનલ હાઇવે થઇ જે-તે તરફ અવરજવર કરી શકાશે. આ ઉપરાંત રિલાયન્સ ધનોરા ગેટ-૭ સામેથી રામપુરા-ધનોરા-અનગઢ-રામગઢ ચોકડી થઇ નંદેસરી તરફ અવરજવર કરી શકાશે.

Share :

Leave a Comments