છાણીના મહાકાળી માતાજીના મંદિરમાંથી તલવાર, ચરણ પાદુકા, ભાથીજી મંદિરમાંથી દાનપેટીની ચોરી

છાણી ગામમાં રહેતા રાકેશભાઈ શાંતીલાલ પરમારે છાણી પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Sword-foot-sandals-stolen-from-Mahakali-Mataji-temple-in-Chhani-donation-box-stolen-from-Bhathiji-temple

- ભાથીજી મંદિરમાંથી દાનપેટી ઉઠાવી; વડોદરામાં મંદિર લૂંટવા આવેલા 3 તસ્કર CCTVમાં કેદ

મોંઢે રૂમાલ બાંધી પ્રવેશેલા તસ્કરો માતાજીના મંદિરના દરવાજાનું લોક તોડી 20 વર્ષ જૂની લોખંડની તલવાર અને પિત્તળની ચરણ પાદુકાની ચોરી ગયા, દાનપેટી ન તૂટતાં ત્યાં જ છોડી

આજકાલ મંદિરોમાં ચોરીની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. જ્યાં છાણી વિસ્તારમાં તસ્કરે મહાકાળી માતાનો હાર-છત્તર જોઈ અને ચરણ પાદુકા અને તલવારની ચોરી કરી તો ભાથીજી મંદિરમાંથી દાનપેટી ઉઠાવી લીધી, તસ્કરોએ દાનપેટી ઉઠાવવાનો તો મહાકાળી મંદિરમાં પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળ થયા નહોતા.


વડોદરા શહેરના છાણી ગામમાં રહેતા ફરિયાદી રાકેશભાઈ શાંતીલાલ પરમાર (ઉંમર 29), જે વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં હેલ્પર તરીકે નોકરી કરે છે, તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમના પિતા શાંતીલાલ શંકરભાઈ પરમાર છેલ્લા 30 વર્ષથી ભાથીજી મંદિરમાં આરતી કરવા દરરોજ જાય છે. 24 ફેબ્રુઆરીએ વહેલી સવારે આશરે 4 વાગ્યે પિતાજી મંદિરમાંથી પરત આવીને તેમને જગાડ્યા અને જણાવ્યું કે મંદિરમાં ચોરી થઈ છે.


મંદિર પહોંચીને તપાસ કરતાં ખબર પડી કે, મંદિરનો દરવાજો તોડીને દાનપેટી ગાયબ કરી દેવામાં આવી છે. મંદિરની બાજુમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં લાગેલા CCTV કેમેરાની તપાસમાં ત્રણ અજાણ્યા શખ્સ મોઢે રૂમાલ બાંધીને મંદિરમાં પ્રવેશ કરતા જોવા મળ્યા હતા. આ તસ્કરોએ ભાથીજી મંદિરનું લોક તોડીને અંદર પ્રવેશ કરી દાનપેટી ચોરી લીધી હતી, જેમાં આશરે 10 હજાર રૂપિયાની રોકડ રકમ હતી.


એ જ રીતે મહાકાળી મંદિરમાં પણ દરવાજાનું લોક તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાંથી 20 વર્ષ જૂની લોખંડની તલવાર અને માતાજીની પિત્તળની ચરણ પાદુકાની ચોરી કરી લઈ ગયા હતા. દાનપેટી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તૂટી નહીં હોવાથી દાનપેટી ત્યાં જ છોડી દીધી અને તેમાં રહેલી રોકડ પણ લઈ ગયા નથી.


મંદિરોમાં ચોરી થઈ, તે જ દિવસે અલગ-અલગ જગ્યાએ પણ આવી જ ચોરીની ઘટનાઓ બની હતી. જેથી આ ત્રણેય અજાણ્યા તસ્કરો વિરુદ્ધ છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. છાણી પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments