- અત્યાર સુધીમાં સયાજી હોસ્પિટલમાં વડોદરા જિલ્લા બહારના 10 કેસ નોંધાયા છે, જેમાંથી બે બાળકોના મોત થયા છે, જ્યારે ત્રણ બાળકો હજુ સારવાર હેઠળ છે
વડોદરા સહિત રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાય (રેત માખી), મચ્છર અને ઇતરડીના કરડવાથી ફેલાય છે, જે ખાસ કરીને 15 વર્ષથી નાના બાળકો માટે વધુ જોખમી સાબિત થાય છે. ત્યારે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં શહેરનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ સાથે અત્યાર સુધીમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં જિલ્લા બહારના 10 કેસ શંકાસ્પદ સામે આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ આજે શહેરમાંથી પહેલો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ ગોત્રી ખાતે આવેલી જીએમઇઆરએસ હોસ્પિટલમાં નોંધાયો છે. આ કેસ વડોદરાના છેવાડે આવેલા ભાયલી વિસ્તારનો છે જેમાં ત્રણ વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ જણાયો છે. આ બાળકના સેમ્પલ હાલમાં પુના અને ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં સયાજી હોસ્પિટલમાં વડોદરા જિલ્લા બહારના 10 કેસ નોંધાયા છે. જેમાંથી બે બાળકોના મોત થયા છે. જ્યારે ત્રણ બાળકો હજુ સારવાર હેઠળ છે ત્યારે કહી શકાય કે વડોદરામાં પહેલો કેસ નોંધાયો છે જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
જો ઘરમાં ગાય, ભેંસ કે અન્ય પશુઓ રાખતા હોવ, તો તેમના રહેવાના સ્થાન (કોઢ/ગમાણ) ને ઘરના રહેણાંક વિસ્તારથી દૂર અને એકદમ સ્વચ્છ રાખો, કારણ કે પશુઓના મલમૂત્ર અને ભેજવાળી જગ્યાએ આ માખીઓ ઝડપથી વધે છે.
જો બાળકને અચાનક તીવ્ર તાવ આવે, ઉલટી થાય, માથું દુખે, ખેંચ (આંચકી) આવે અથવા તે બેભાન જેવું જણાય, તો ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડ્યા વિના તરત જ નજીકના સરકારી દવાખાના કે બાળરોગ નિષ્ણાત પાસે લઈ જાઓ. આ રોગમાં વહેલું નિદાન અને હોસ્પિટલમાં સારવાર અત્યંત મહત્વની છે.
સેન્ડફ્લાય (રેત માખી) અને મચ્છરોથી બચાવ
પૂરા કપડાં પહેરાવો ઃ બાળકોને ખાસ કરીને સાંજની બહાર રમત ગમતના સમયે અને રાત્રે સૂતી વખતે આખી બાયના શર્ટ અને પૂરા પેન્ટ (શરીર ઢંકાયેલું રહે એવા કપડાં) પહેરાવો.
મચ્છરદાનીનો ઉપયોગ ઃ રાત્રે સૂતી વખતે જંતુનાશક દવાયુક્ત અથવા સામાન્ય મચ્છરદાનીનો ફરજિયાત ઉપયોગ કરો.
રિપેલન્ટ્સ (જંતુનાશક ક્રીમ) ઃ શરીરના ખુલ્લા ભાગો પર મચ્છર અને માખી દૂર રાખતી ક્રીમ (Mosquito/Insect Repellent) લગાવો.
ઘર અને આસપાસની સ્વચ્છતા
દિવાલોની તિરાડો પૂરો ઃ સેન્ડફ્લાય (રેત માખી) સામાન્ય રીતે કાચા મકાનો, માટીની દિવાલો અથવા પાકા મકાનોની તિરાડોમાં ભરાઈ રહે છે. ઘરમાં કે આસપાસ આવી તિરાડો કે ગાબડાં હોય તો તેને સિમેન્ટ અથવા માટીથી બંધ (સીલ) કરી દો.
પાણી ભરાવા ન દો ઃ ઘરની આસપાસ ક્યાંય પણ ચોખ્ખું કે ગંદુ પાણી જમા થવા ન દો, જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકે.
દવાનો છંટકાવ (ફોગિંગ) ઃ સ્થાનિક આરોગ્ય તંત્રની મદદથી ઘરની આસપાસ નિયમિત મેલાથિયોન પાવડર અથવા યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવો.


