- અકસ્માત સર્જ્યા બાદ આરોપી પોલીસ પકડથી બચવા કાર લઈ હાલોલ તરફ ભાગી ગયો હતો, વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ કાર બગડતા ટોઇંગ કરવા એજન્સીનો સંપર્ક કર્યો
- આરોપી પાસે લાયસન્સ ન હતું, અકસ્માત સમયે ગાડી પર નંબર પ્લેટ ન હોતી, પકડાઈ જવાના ડરથી આરોપીએ કારના કાચની બ્લેક ફિલ્મ પોતે ઉખાડી દીધી હતી જેથી ગાડી ઓળખાય નહીં
વડોદરાના અમિત નગર રોડ પર ગત 14 જુલાઈની મોડી રાત્રે એક કાળજું કંપાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. નંબર પ્લેટ વિનાની એક i20 કારના ચાલકે બાઇક પર જઈ રહેલા ત્રણ વિદ્યાર્થીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કાર ચાલકને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો છે.

આ ભયાનક અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ત્રણેય યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઋતુરાજસિંહ નામના યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત અને મૃતક ત્રણેય યુવકો એમ.એસ. યુનિવર્સિટીમાં પ્રથમ અને ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે અને હોસ્ટેલમાં રહે છે. અકસ્માતમાં ઘાયલ અન્ય એક વિદ્યાર્થી સુજલભાઈ ચૌહાણે આ મામલે હરણી પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
એસીપી (ACP) જી. બી. બાંભણિયાએ જણાવ્યું હતું કે, અકસ્માત સર્જ્યા બાદ આરોપી પોલીસ પકડથી બચવા પોતાની કાર લઈને સીધો હાલોલ તરફ ભાગી ગયો હતો. વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ હાલોલ નજીક તેની કાર બ્રેકડાઉન (બગડી) થઈ ગઈ હતી. આરોપીએ કારને ટોઇંગ કરવા માટે એજન્સીનો સંપર્ક કર્યો, જેના આધારે પોલીસને સચોટ બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક લોકેશન પર પહોંચીને કારના એન્જિન અને ચેસિસ નંબરના આધારે સરકારી ડેટાબેઝ ચેક કર્યો હતો અને આરોપીની ઓળખ કરી તેને તેના ઘરેથી દબોચી લીધો હતો.

ઝડપાયેલા કાર ચાલકનું નામ હર્ષ મેડા (ઉં.વ. 21, રહે. પલવ પાર્ક સોસાયટી, અમિત નગર પાસે) છે. તે છાણી વિસ્તારમાં એક કાર એસેસરીઝના સ્ટુડિયોમાં નોકરી કરે છે. પોલીસ પૂછપરછમાં આરોપીના ગુનાહિત બેદરકારીના અનેક પુરાવા સામે આવ્યા છે. આરોપી હર્ષ પાસે ગાડી ચલાવવાનું કોઈ કાયદેસરનું ડ્રાઇવિંગ લાયસન્સ જ નથી. અકસ્માત સમયે ગાડી પર કોઈ નંબર પ્લેટ લગાવેલી નહોતી. અકસ્માત બાદ પકડાઈ જવાના ડરથી આરોપીએ કારના કાચ પર મારેલી બ્લેક ફિલ્મ પોતે જ ઉખાડીને ફેંકી દીધી હતી જેથી ગાડી ઓળખાય નહીં.
પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ અકસ્માત સમયે કારની ઝડપ 70થી 80 કિમી/કલાકની હતી. આરોપીએ કબૂલ્યું હતું કે, સ્પીડમાં અચાનક એક્સિલેટર પર પગ દબાઈ જતાં તેણે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. અકસ્માત સમયે આરોપી નશાની હાલતમાં હતો કે નહીં તે સ્પષ્ટ કરવા માટે તેના બ્લડ સેમ્પલ લઈને એફએસએલ (FSL) માં મોકલવામાં આવ્યા છે. જો કે, આરોપીએ બચાવમાં એવો દાવો કર્યો છે કે તેની માતા હોસ્પિટલમાં દાખલ હોવાથી તે મોડી રાત્રે ઉતાવળમાં હોસ્પિટલ જવા નીકળ્યો હતો. હાલમાં હરણી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને જેલ ભેગો કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


